જેટ એરવેઝ ૩ વર્ષ બાદ ફરી ટેક-ઓફ માટે તૈયારઃ પહેલી ફ્લાઇટ મુંબઇ-દિલ્હી

Wednesday 15th September 2021 06:24 EDT
 
 

નવી દિલ્હીઃ એપ્રિલ ૨૦૧૯થી બંધ જેટ એરવેઝની ફ્લાઈટો ફરી ઉડાન માટે સજ્જ થઇ રહી છે આશરે ૩ વર્ષ સુધી ઉડ્ડયન સેવાઓ બંધ રહ્યા બાદ એરલાઇન્સ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન શરૂ કરશે તેવા અહેવાલ છે. આ પછી આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરશે.
કાર્લરોક જાલાન કોન્સોર્ટિયમના સભ્ય મુરારી લાલ જાલને સોમવારે આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે પ્રથમ ફ્લાઈટ દિલ્હી-મુંબઈ વચ્ચે ઓપરેટ થશે. ત્રણ વર્ષમાં ૫૦થી વધુ અને ૫ વર્ષમાં ૧૦૦થી વધુ વિમાનોનો કાફલો તૈયાર કરવાની કંપનીની તૈયારી છે. આ વખતે મુંબઈની જગ્યાએ હેડ ક્વાર્ટર દિલ્હીમાં રહેશે. ઉડ્ડયન ક્ષેત્રના ઈતિહાસમાં પહેલી વાર બે વર્ષથી વધુ સમય સુધી બંધ રહેલી એરલાઇન્સ ફરી શરૂ થઈ રહી છે.
જેટ એરવેઝનું સુકાન સીઈઓ કેપ્ટન સુધીર ગૌડને સોંપાયું છે. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨ સુધી તમામ કેટેગરીમાં ૧૦૦૦થી વધુ કર્મચારીઓની ભરતી શરૂ કરાશે. અમે અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ફુલટાઇમ કર્મચારીઓની નિમણૂક કરી પણ લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter