ઝી-સોનીનું મર્જરઃ ભારતમાં સૌથી મોટું મનોરંજન નેટવર્ક આકાર લેશે

Sunday 03rd October 2021 05:17 EDT
 
 

મુંબઈ: ટીવી પરદે મનોરંજન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી અગ્રણી ઝી એન્ટરેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ લી. અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (સોની)ના મર્જરે ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. આ જોડાણ સાથે જ દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું છે. આ મર્જર બાદ અસ્તિત્વમાં આવનારી નવી કંપનીમાં સોનીનો હિસ્સો ૫૨.૯૩ ટકા જ્યારે ઝીનો હિસ્સો ૪૭.૦૭ ટકા રહેશે. મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે ઝીના પુનિત ગોયેન્કા જ યથાવત્ રહેશે.
સૂચિત કંપનીમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે. નવી કંપનીમાં મોટા ભાગના ડિરેક્ટરોની નિમણૂક સોની દ્વારા કરવામાં આવશે. મર્જર સાથે નવા એકમની આવક ૧૩,૬૦૦ કરોડ રૂપિયાથી વધારે અને કર્મચારીઓની સંખ્યા ચાર હજારથી વધારે થશે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરારના ભાગરૂપે ઝીના પ્રમોટર કુટુંબને ઝીમાં તેનો હાલનો ૩.૯૯ ટકા હિસ્સો નવા એકમમાં વધારીને ૨૦ ટકા સુધી પણ લઈ જવા દેવાની છૂટ આપવામાં આવી છે. નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે હશે. ઝીનું માર્કેટકેપ આ મર્જરની જાહેરાત થઇ તે દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે રૂ. ૩૨,૩૫૦ કરોડ હતું.
આ મર્જરના પગલે જાપાનીઝ બહુરાષ્ટ્રીય કંપની સોની કોર્પની પેટા કંપની સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા ઝીમાં બહુમતી શેરધારક બની ગઈ છે. આ મર્જરની ખાસિયત એ છે કે એસપીએનના શેરધારક મર્જરના ભાગરૂપે વૃદ્ધિ માટે મૂડી ઠાલવશે. આ રકમ ૧.૫૭૫ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૧,૬૧૫ કરોડ જેટલી હશે. નવી કંપની પાસે બંનેની થઈને કુલ ૭૫ ટીવી ચેનલો, બે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસિઝ (ઝી ફાઇવ અને સોની લિવ) તેમજ ડિજિટલ કન્ટેન્ટ સ્ટુડિયો (સ્ટુડિયો નેકસ્ટ) રહેશે.
મર્જર બાદ સૂચિત કંપની ભારતમાં સ્ટાર અને ડિઝની ઇન્ડિયા કરતાં પણ મોટી મનોરંજન કંપની બની જશે. આના લીધે સુભાષ ચંદ્રા કુટુંબને એસ્સેલ જૂથ પર ઋણબોજ હળવો કરવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે દેવાના બોજ તળે દટાયેલા સુભાષ ચંદ્રા ૨૦૧૯થી ઝી માટે ખરીદદારોની શોધમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter