નવી દિલ્હીઃ ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને કંપનીઓ ભારતના ઝડપી વિકસતા એઆઈ પીસી બજાર પર પણ ફોકસ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
નમકથી લઈને સોફ્ટવેર બનાવતા દેશના 156 વર્ષ જૂના ટાટા જૂથનું ઈન્ટેલ સાથે કરારનું આ પગલું ભારતની ઘરેલુ ચિપ ક્ષમતા વધારવા અને વધતી માર્ગ પૂરી કરવાની દિશામાં મોટું પગલું છે. ટાટા ધોલેરામાં ભારતના પહેલા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ અને અસમમાં ચિપ એસેમ્બલી તથા ટેસ્ટિંગ સુવિધા માટે રૂ. 1.18 લાખ કરોડનું રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રારંભિક પીછેહઠ છતાં દુનિયામાં તાઈવાન જેવા દેશો સામે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ટેલ ભારતમાં એઆઈ સક્ષમ પીસી માટે મોટા સ્તર પર સોલ્યુશન્સ તૈયાર કરવા પર કામ કરશે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારત દુનિયાના ટોચ-5 પીસી બજારમાં સામેલ થઈ શકે છે. ટાટા ગ્રૂપે જણાવ્યું કે, બંને કંપની ઈન્ટેલના પ્રોડક્ટ્સના ઉત્પાદન અને પેકેજિંગની સંભાવનાઓનું મૂલ્યાંકન ટાટા ઈલેક્ટ્રોનિક્સના બે મહત્વના યુનિટ્સ ગુજરાતના ધોલેરા અને અસમમાં ટાટાના ઓએસએટી પ્લાન્ટમાં કરશે. સાથે જ એડવાન્સ્ડ પેકેજિ ટેક્નોલોજી પર પણ સંયુક્ત રૂપે તેઓ કામ કરશે.


