મુંબઇઃ ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે કંપનીનું લિસ્ટિંગ ન કરાવવું પડે તે માટે રિસ્ટ્રક્ચરિંગની દરખાસ્ત કરી છે. ટાટાની બે કંપનીઓને ટાટા સન્સમાં મર્જ કરી દેવાની તેણે દરખાસ્ત કરી છે, જેથી ટાટા સન્સનું નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) તરીકે ક્લાસિફિકેશન ન થાય અને શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની જરૂરિયાત પણ ન રહે.
ટાટા ટ્રસ્ટ્સે કરેલી દરખાસ્ત મુજબ ટાટા ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સોલ્યૂશન્સ પ્રાઈવેટ લિમિટેડ (TESS) અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE)ને ટાટા સન્સમાં મર્જ કરી દેવાશે. ટાટા સન્સના બોર્ડને આ યોજના અંગે વિચારવા અને તે માટે આરબીઆઈનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવા ટ્રસ્ટ્સે કહ્યું છે. બે કંપનીઓને ટાટા સન્સમાં મર્જ કરી દેવાથી ટાટા સન્સ ફરી ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની હોવા ઉપરાંત ઓપરેટિંગ કંપની તરીકે ગણાશે. ટ્રસ્ટ્સે કહ્યું કે આમ કરવાથી એનબીએફસી કે કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકેના રેગ્યૂલેટરી માપદંડ તેને લાગુ નહીં પડે અને પરિણામે કંપનીએ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવું નહીં પડે. ટ્રસ્ટ્સે કહ્યું હતું કે ‘ટાટા સન્સમાં 66 ટકા બહુમતી હિસ્સો ધરાવતા ટ્રસ્ટ્સ વ્યૂહાત્મક રિઓર્ગેનાઈઝેશન પ્લાન રજૂ કર્યો છે, જેથી તે એનબીએફસી નહીં રહે અને કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની પણ નહીં રહે.’
ટ્રસ્ટ્સે કહ્યું કે સંયુક્ત એન્ટિટીની ઓપરેટિંગ રેવન્યૂ માર્ચ-2026ના રોજ ₹1,05,043 કરોડ રૂપિયા થાય છે, જે કુલ આવકના 64.3 ટકા થાય છે. ફાઈનાન્શિયલ એસેટ્સની આવક ₹ 40,072 કરોડ થાય છે. નેટ એસેટ્સ ₹2,00,158 કરોડ થાય છે. આ પૈકી ટાટા ગ્રૂપની કંપનીઓમાં રોકાણ રૂ. 1,77,120 કરોડ થાય છે. જે નેટ એસેટ્સના 90 ટકાથી થોડું ઓછું થાય છે. આરબીઆઈએ ટાટા સન્સને 2022માં અપર-લેયર એનબીએફસી તરીકે વર્ગીકૃત કરી તેને પગલે તેનું લિસ્ટિંગ કરાવવું ફરજિયાત છે.


