ટાટા સ્ટીલ યુકેએ 13 વર્ષમાં પહેલીવાર કરવેરા પહેલાંનો નફો જાહેર કર્યો

માર્ચમાં પૂરા થયેલા નાણાકિય વર્ષમાં પોર્ટ તાલબોટને 82 મિલિયન પાઉન્ડનો નફો

Wednesday 27th July 2022 07:27 EDT
 
 

લંડન

સાઉથ વેલ્સમાં આવેલી ટાટા સ્ટીલ યુકેની માલિકીની પોર્ટ તાલબોટ કંપનીએ છેલ્લા 13 વર્ષમાં પહેલીવાર પ્રિટેક્સ નફાની જાહેરાત કરી છે. કોરોના કાળ બાદ યુરોપમાં વધેલી માગ અને સ્ટીલની રેકોર્ડ કિંમતોના કારણે ટાટા સ્ટીલે માર્ચના અંતે પૂરા થયેલા વર્ષ માટે 82 મિલિયન પાઉન્ડનો કરવેરા પહેલાંનો નફો જાહેર કર્યો છે. અગાઉના બે વર્ષોમાં ટાટા સ્ટીલ યુકેને 347 મિલિયન અને 654 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. માર્ચમાં પૂરા થયેલા નાણાકિય વર્ષમાં ટાટા સ્ટીલ યુકેની આવક 58 ટકા વધીને 1.97 બિલિયન પાઉન્ડથી વધીને 3.1 બિલિયન પાઉન્ડ થઇ હતી. બ્રિટનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીએ જણાવ્યું હતું કે, પ્રતિ એક ટન સ્ટીલની કિંમતમાં 53 ટકાનો વધારો થતાં કંપનીની આવકમાં વધારો થયો છે. કોરોના મહામારી બાદ વિશ્વમાં સ્ટીલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. તે ઉપરાંત માગમાં પણ 3 ટકાનો વધારો નોંધાયો છે. યુરોપિયન માર્કેટમાં આવેલી રિકવરીના કારણે સ્ટીલની માગ વધી છે. ટાટા સ્ટીલ યુકેને 59 ટકા આવક બ્રિટન અને 37 ટકા આવક અન્ય યુરોપિયન દેશોમાંથી થાય છે. જોકે ઇંધણોની કિંમતમાં વધારો થવાના કારણે કંપનીની ઓપરેટિંગ કોસ્ટ પણ 2.2 બિલિયન પાઉન્ડથી વધીને 2.98 બિલિયન પાઉન્ડ પર પહોંચી છે. પોર્ટ તાલબોટ થાતે કંપનીએ એક વર્ષમાં 3.5 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું. જે અગાઉના વર્ષ કરતાં એક લાખ ટનનો વધારો દર્શાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર ઓટોમોબાઇલ સેક્ટરમાં મજબૂત રિકવરી આવી રહી છે જો કે બીજા ત્રિમાસિકમાં સપ્લાય ચેઇનમાં અવરોધોના કારણે સ્ટીલની માગમાં ઘટાડો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter