ટીવીએસ ગ્રૂપમાં પારિવારિક વિવાદ વકર્યોઃ એક તરફ પિતા-પુત્ર, બીજી તરફ માતા-પુત્રી

Tuesday 03rd November 2026 04:56 EST
 
 

અમદાવાદ: ટીવીએસ ગ્રૂપની માલિકી ધરાવતા પરિવારમાં મિલકતની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ વકર્યો છે. આ પરિવારના ચાર સભ્યોએ ચેન્નઈની બે કોર્ટમાં એકબીજા સામે કેવિયેટ દાખલ કરી છે.
ટીવીએસ મોટર કંપનીના ચેરમેન એમિરાટ્સ વેણુ શ્રીનિવાસન, તેમના પત્ની ટ્રેક્ટર ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ (‘ટાફે’)ના ચેરમેન-એમડી મલ્લિકા શ્રીનિવાસન અને તેમના સંતાનો લક્ષ્મી વેણુ તથા સુદર્શન વેણુએ 12 અને 13 ઓક્ટોબરના રોજ ચેન્નઈની કોર્ટમાં પ્રત્યેકે એક-એક એમ કુલ
ચાર કેવિયેટ દાખલ કરી છે. આ દરમિયાન મલ્લિકા શ્રીનિવાસન અને તેમના પુત્રી લક્ષ્મી વેણુએ આ સમગ્ર વિવાદનો ઉકેલ વાટાઘાટો અને સુમેળભર્યા વાતાવરણમાં આવે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી છે.
આ કેવિયટમાં એમ જણાવવામાં આવ્યું છે કે પરિવારમાં મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે પરિવારના સભ્યો કાયદાકીય કાર્યવાહી માટે તૈયારી કરી રહ્યા હોવાથી આ અરજી ફાઈલ કરવામાં આવે છે. આ વિવાદમાં વેણુ શ્રીનિવાસન અને તેમના પુત્ર સુદર્શન વેણુ એક તરફે છે. જ્યારે સામે પક્ષે મલ્લિકા શ્રીનિવાસન અને પુત્રી લક્ષ્મી વેણુ છે. ચેન્નઈની સિટિ સિવિલ કોર્ટ અને કોમર્સિઅલ કોર્ટમાં આ કેવિયટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટીવીએસની માલિકી ધરાવતા આ પરિવારમાં મિલકતની વહેંચણી માટે 2020માં એક કરાર થયો હતો, જેનો અમલ પણ કરવામાં આવ્યો છે. જોકે હવે મલ્લિકા શ્રીનિવાસન અને લક્ષ્મી વેણુ એવો દાવો કરી રહ્યા છે કે મેનેજમેન્ટની પોઝિશન વહેંચવામાં આવી એ પૂરતું નથી, પરંતુ વેણુ શ્રીનિવાસનની મિલકતમાં આર્થિક હિતોની વહેંચણી સરખા ભાગે કરવામાં આવે એ પણ જરૂરી છે. લક્ષ્મી વેણુ હાલમાં ‘ટાફે’ના વાઇસ ચેરમેન છે. આ ઉપરાંત તેઓ સુંદરમ ક્લેટોનના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. સુદર્શન વેણુ ટીવીએસ મોટરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
સમગ્ર વિવાદના મૂળમાં શું છે?
વેણુ શ્રીનિવાસન પરિવાર વચ્ચે મિલકતની વહેંચણી માટે એક સમજૂતી કરાર થયા હતા. જે મુજબ સુદર્શનને ટીવીએસ મોટર અને ટીવીએસ હોલ્ડિંગનું નિયંત્રણ મળ્યું છે. જ્યારે લક્ષ્મીને સુંદરમ કલેટોનનું સંચાલન મળ્યું છે. મલ્લિકા અને લક્ષ્મીનો દાવો એ છે કે આ સમજૂતી કરાર માત્ર બ્રાન્ડના ઉપયોગ અને એકબીજા સાથે સ્પર્ધા નહીં કરવાના નોન કોમ્પિટ ક્લોઝને લગતો જ છે. આ સમજૂતી કરાર અંતર્ગત આર્થિક હિતોની સરખા ભાગે વહેંચણી થઇ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter