તિરુવનંતપુરમ્ઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી ટિફની અને જમાઈ માઈકલ બોલોસની કેરળ મુલાકાત આજકાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. ભારત પ્રવાસે આવેલા બોલોસે ભારતસ્થિત અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે મળીને કેરળ પહોંચ્યા હતા અને અહીંની વિશ્વ વિખ્યાત કુદરતી સુંદરતા નિહાળીને અભિભૂત થઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરળમાં અમેરિકી રિસોર્ટ પ્રોજેક્ટ સ્થપાય તેવી ઉજળી શક્યતાઓ છે. પ્રવાસન નીતિ સાથે જોડાયેલા નિષ્ણાત કે.વી. રવિશંકરે એક અખબાર સાથેની વાતચીતમાં દાવો કર્યો કે કેરળ સરકારે પોતે બોલોસનો સંપર્ક કર્યો હતો. બોલોસે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન સાથે પણ મુલાકાત કરી હતી. સતીશને કહ્યું કે આ કેરળ અને અમેરિકાના સહયોગને નવી ઊંચાઈઓ આપવાની શરૂઆત છે.
છ માસમાં બીજો ભારત પ્રવાસ
ટ્રમ્પની પુત્રી ટિફનીના પતિ બોલોસની છ મહિનામાં આ બીજી ભારત યાત્રા છે. જેને એ વાતના સંકેત તરીકે નિહાળવામાં આવે છે કે તેઓ ભારતમાં વ્યાવસાયિક હિતોને વિસ્તારવા તત્પર છે. ઉલ્લેખનીય છે કે બોલોસના ઉદ્યોગપતિ પિતા લેબેનાની મૂળના છે. અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં આ પરિવારનો બિઝનેસ ફેલાયેલો છે. બોલોસ પરિવારે 2020માં યુરોપની લક્ઝરી બ્રાન્ડને 500 મિલિયન ડોલરમાં ખરીદીને સહુકોઇનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કેરળમાં વિવિધ ક્ષેત્રે વ્યાપક તક
કેરળ દેશવિદેશના પ્રવાસીઓની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અહીંના બેકવોટર-આયુર્વેદ થેરાપીને વિદેશીઓ બહુ જ પસંદ કરે છે. આ બધાને ધ્યાને લઇ બોલોસ પરિવાર હાઈએન્ડ ટૂરિઝમમાં રોકાણ કરે તેવી શક્યતા છે.
અલાપ્પુઝાને પૂર્વનું વેનિસ કહેવામાં આવે છે. આ હાઉસબોટ ટૂરિઝમનું હબ છે. 900 કિમી લાંબી નહેરોના કુદરતી નેટવર્ક છે. આ ઉપરાંત કેરળની આયુર્વેદિક થેરાપી એટલે કે વૈદ્યમ વિદેશી પ્રવાસીમાં બહુ લોકપ્રિય છે. કેરળમાં 2025માં લગભગ 8.25 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. અમેરિકા-યુરોપના પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાઈએન્ડ ટૂરિઝમમાં રોકાણની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.


