ડેવિડ કેમરને ગ્રીનસિલ માટે કોવિડ લોન્સ મેળવવા ચાન્સેલર સુનાક પર દબાણ કર્યું?

Wednesday 24th March 2021 05:49 EDT
 
 

લંડનઃ વહીવટ હેઠળ મૂકાયેલી ફાઈનાન્સ કંપની ગ્રીનસિલને કોવિડ લોન્સ અપાય તે માટે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ચાન્સેલર રિશિ સુનાકને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ કર્યા હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઈ છે અને કેમરનની ભૂમિકા સામે નવા પ્રશ્નો ખડા થયા છે. ટ્રેઝરીએ કેમરને ચાન્સેલર સુનાકનો સંપર્ક કર્યો હતો કે કેમ તેના પર કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

સન્ડે ટાઈમ્સના અહેવાલ અનુસાર મુશ્કેલીમાં આવેલી ધીરાણકાર ગ્રીનસિલ કેપિટલ વતી યુકે સરકાર પાસે કોવિડ લોન્સ મેળવવા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને લોબિઈંગ કર્યું હતું. કેમરને ચાન્સેલર સુનાકના પ્રાઈવેટ ફોન પર સંપર્ક કરી લાખો પાઉન્ડની સસ્તી અને ૧૦૦ ટકા સરકાર સમર્થિત કોવિડ કોર્પોરેટ ફાઈનાન્સિંગ ફેસિલિટી (CCFF) મારફત ઈમર્જન્સી કોવિડ લોન્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ વધુમાં જણાવે છે કે ગ્રીનસિલના એડવાઈઝર અને શેરહોલ્ડર કેમરને એપ્રિલ ૨૦૨૦માં ચાન્સેલર સુનાકને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ પણ કર્યા હતા. જોકે,

ગ્રીનસિલની ઈચ્છા આ સરકારી કોવિડ લોન્સનો ઉપયોગ લિબર્ટી સ્ટીલની માલિક અને મૂળ ભારતીય સ્ટીલ મેગ્નેટ સંજીવ ગુપ્તાની કંપની GFG Alliance સહિતના ક્લાયન્ટ્સને નાણા આપવાની હતી. જોકે, ગ્રીનસિલને CCFFની સુવિધા અપાય તેનો અર્થ કાયદાઓને તોડવા-મરોડવાનો હતો કારણકે ધીરાણકારો આ પ્રોગ્રામ મારફત નાણા કરજે લઈ શકતા નથી. જોકે, ગ્રીનસિલે સરકારની કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS) હેઠળ સત્તાવાર લિમિટ માત્ર ૫૦ મિલિયન પાઉન્ડ હોવાં છતાં, ૪૦૦ મિલિયન પાઉન્ડની લોન્સ મેળવી છે. કંપનીએ ૫૦ મિલિયન પાઉન્ડની આઠ લોન્સ મેળવી હોવાનું સન્ડે ટાઈમ્સના અહેવાલે જણાવ્યું છે.

સુનાકને કેમરનના મોટા ભાગના સંદેશાઓનો કોઈ ઉત્તર મળ્યો ન હતો. ગ્રીનસિલ આ સ્કીમ હેઠળ નાણા મેળવવાને પાત્ર નહિ હોવાનું જણાવીને કેમરનને ટ્રેઝરીના પરમેનન્ટ સેક્રેટરીઓ ટોમ સ્કોલર અને ચાર્લ્સ રોક્સબર્ઘ સહિત વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવનારા અધિકારીઓને ચાન્સેલરે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. પૂર્વ વડા પ્રધાને ગત વર્ષે માર્ચ અને જૂન વચ્ચે ટોમ સ્કોલર અને ચાર્લ્સ રોક્સબર્ઘ સાથે ૧૦ વર્ચ્યુઅલ મીટિંગ્સ કરી હોવાનું પણ કહેવાય છે.

મોટા બિઝનેસીસ પોતાના સપ્લાયર્સને નાણા ચૂકવી શકે તે માટે તેમને નાણા ધીરનારી ગ્રીનસિલની લોન્સને આવરી લેતા કોન્ટ્રાક્ટ્સને રીન્યુ કરવા ઈન્સ્યુરન્સ કંપનીઓના ઈનકાર પછી ફાઈનાન્સિયર કંપનીને એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાઈ હતી.

લેબર પાર્ટીએ વ્હાઈટહોલમાં પોતાની વગનો ઉપયોગ કરવા પૂર્વ વડા પ્રધાન કેમરને કરેલા કથિત પ્રયાસોમાં તપાસ કરાવવા જોરદાર માગણી કરી છે. શેડો ચાન્સેલર એનેલીઝ ડોડ્સે જણાવ્યું હતું કે અન્ય કોવિડ લેન્ડર્સને સરખામણીએ ગ્રીનસિલને ટ્રેઝરી સાથે વધુ સંપર્ક શા માટે કરવા દેવાયો તેનો જવાબ ચાન્સેલર સુનાકે આપવો જોઈએ.

ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર કેમરનના લોબિઈંગ પ્રયાસો સિડની સુધી પણ પહોંચ્યા હતા. પૂર્વ વડા પ્રધાન ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયન ઈન્સ્યુરન્સ કંપનીના કર્મચારીને પણ મળ્યા હતા જેને, ગ્રીનસિલના વિવાદિત ધીરાણ મોડેલને મહત્ત્વ આપતા ઓવરએક્સ્ટેન્ડિંગ કોન્ટ્રાક્ટ્સમાં કથિત સંડોવણી બદલ પાછળથી બરતરફ કરાયો હતો.

ગ્રીનસિલના પતન પછી યુકેમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની લિબર્ટીએ રોકડ રકમો બચાવવા તેના કેટલાક યુકે પ્લાન્ટ્સમાં ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી હતી. તેની પેરન્ટ કંપની GFG Alliance યુકેમાં ૫,૦૦૦ લોકોને રોજગારી આપે છે અને તે ગ્રીનસિલ પાસેથી સૌથી વધુ ધીરાણ લેનારાઓમાં એક છે. દરમિયાન, ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે પેરન્ટ કંપની GFG Alliance ગ્રીનસિલ લોન્સના બદલામાં નવું ફંડ મેળવી ન શકે તો લિબર્ટી સ્ટીલને ખરીદવા કોઈ ખરીદાર ન મળે ત્યાં સુધી જાહેર નાણાથી તેને ચલાવવાની તાકીદની યોજના યુકે સરકારે ઘડી હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter