નવી પેઢીને સુકાન સોંપવાની મથામણ

મુકેશ અંબાણી રિલાયન્સનો કારભાર નવી પેઢીને સોંપવા કામે લાગ્યા છે

Tuesday 07th December 2021 13:45 EST
 
 

મુંબઇ: એશિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાનું ૨૦૮ બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૧૫.૪૭ લાખ કરોડનું સામ્રાજ્ય નવી પેઢીને સોંપવાની તૈયારીઓ શરૂ કરી છે. તેઓ રિલાયન્સ જૂથની સંપત્તિની વહેંચણી માટે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવવા માટે કામ કરી રહ્યા છે, જેથી તેમનાં સંતાનો વચ્ચે કોઇ વિવાદ ના થાય. કહેવાય છે કે આ માટે તેમણે યુકેના વોલ્ટન અને કોચ પરિવાર સહિત દુનિયાના અનેક બિલિયોનેર પરિવારોની નવી પેઢીને
વારસો સોંપવાની ફોર્મ્યુલાનો પણ અભ્યાસ શરૂ કર્યો છે.
વિવાદમાંથી બોધપાઠ
મુકેશ અંબાણીને વારસાના મોડેલની ભલે ખાસ ચિંતા નથી, પણ તેઓ દૂધના દાઝેલા હોવાથી છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. વર્ષ ૨૦૦૨માં ધીરુભાઇ અંબાણીના મૃત્યુનાં ત્રણ વર્ષ પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે તીવ્ર વિવાદ થયો હતો. તેનો ઉકેલ લાવવા તેમનાં માતા કોકિલાબહેને દરમિયાનગીરી કરવી પડી હતી. તેમણે બંને ભાઇઓ વચ્ચે સંપતિ વહેંચીને આ વિવાદ ખતમ કર્યો હતો. આ ભાગલામાં મુકેશ અંબાણીની બ્રેઇન ચાઇલ્ડ ગણાતી રિલાયન્સ ઇન્ફોકોમ તેમના હાથમાંથી છીનવાઇ ગઇ હતી.
સંપત્તિ વહેંચણીની ફોર્મ્યુલા
વોલમાર્ટ ઇન્ક ગ્રૂપના માલિક સેમ વોલ્ટને પોતાના મૃત્યુનાં ૪૦ વર્ષ પહેલાં ૧૯૫૩માં જ સંપત્તિ વહેંચણીની ફોર્મ્યુલા પર કામ શરૂ કરી દીધું હતું. સેમ વોલ્ટને દુનિયાની સૌથી મોટી રિટેલ સ્ટોર ચેઇનની સ્થાપના કરી હતી. તેમણે ખુબ સીધીસાદી ફોર્મ્યુલા હેઠળ પોતાના વારસો વહેંચી લીધો હતો. બિઝનેસના કેન્દ્રમાં પરિવારજનો હતા, પરંતુ બિઝનેસ કંટ્રોલની વહેંચણી મેનેજર્સને કરી હતી. વોલ્ટને પોતાના બિઝનેસનો ૮૦ ટકા હિસ્સો પોતાના ચાર સંતાન વચ્ચે વહેંચી દીધો હતો. આ યોજના હેઠળ પરિવારના સભ્ય બોર્ડમાં રહે છે જ્યારે કંપનીનું રોજિંદુ કામ ચલાવવાની જવાબદારી પ્રોફેશનલ મેનેજર્સની હોય છે. વોલમાર્ટમાં ૧૯૮૮થી આ રીતે બિઝનેસ થાય છે. અને કોઇ બિઝનેસ સમૂહની વારસાગત સોંપણી માટે આ અસરકારક ફોર્મ્યુલા ગણાય છે.

‘હું બ્લોકચેઇન ટેક્નોલોજીનો સમર્થક’
ભારતના અબજોપતિ મુકેશ અંબાણીએ ઈન્ફિનિટી ફોરમને સંબોધતા ભારત સરકારના સૂચિત ડેટા પ્રાઈવસી બિલ અને ક્રિપ્ટો કરન્સી બિલને સમર્થન આપ્યું હતું. રિલાયન્સ જૂથના આ સર્વેસર્વાએ કહ્યું હતું કે ભારત અતિ આધુનિક તેમજ દૂરંદેશીભરી નીતિઓ અને નિયમનો અપનાવી રહ્યું છે. અંબાણી ભારતીયો દ્વારા પોતાનાં ડેટાનાં માલિક બનવાનાં તેમજ તેને નિયંત્રિત કરવાનાં સમર્થક રહ્યા છે.
તેમણે કહ્યું કે દરેક દેશને ડિજિટલ બુનિયાદી માળખું રચીને તેની સુરક્ષા કરવાનો અધિકાર છે. તેમણે ડેટાને ન્યૂ ઓઈલ ગણાવ્યું હતું અને પોતાની પ્રાઈવસીનું જતન કરવાનો દરેક નાગરિકને અધિકાર છે તેમ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે હું બ્લોકચેઈન ટેકનોલોજીમાં માનું છું કે જે ક્રિપ્ટો કરન્સીથી તદ્દન અલગ છે. વિશ્વાસ આધારિત એકસમાન સમાજ માટે બ્લોકચેઈન ટેકનોલોજી મહત્ત્વની છે.
ઉલ્લેખનીય છે કે બ્લોકચેઇન ટેક્નોલોજી એક પ્લેટફોર્મ છે જ્યાંથી ક્રિપ્ટો કરન્સીનો હિસાબકિતાબ રાખી શકાય છે. આ વિકેન્દ્રિત લેજર છે. ક્રિપ્ટો કરન્સી આ નેટવર્ક દ્વારા વેચવામાં કે ખરીદવામાં આવતી હોય છે.
ડિજિટલ ઓળખ માટે મજબૂત આધાર
દેશમાં લોકોની ડિજિટલ ઓળખ માટે મજબૂત માળખું રચવામાં આવ્યું છે જેમાં આધાર, ડિજિટલ બેન્ક એકાઉન્ટ અને ડિજિટલ પેમેન્ટનો સમાવેશ થાય છે. આપણે ડેટા પ્રાઈવસી બિલ તેમજ ક્રિપ્ટો કરન્સી બિલ પાસ કરવા જઈ રહ્યા છીએ, જે સાચી દિશાનું પગલું છે. નાના રોકાણકારોનાં રક્ષણ માટે સરકાર ક્રિપ્ટો કરન્સીને નાણાકીય એસેટ્સ ગણવા માટેનું બિલ સંસદમાં રજૂ કરવાની છે તે સંદર્ભમાં તેમણે ઉપર મુજબ ટિપ્પણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter