નવી વિદેશ વેપાર નીતિના કેન્દ્રમાં 'મેક ઇન ઇન્ડિયા'

Friday 03rd April 2015 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં દેશની નિકાસને ૯૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું નક્કી કરાયું છે. આ નીતિથી દેશમાં વેપાર કરવાનું હવે વધારે સરળ બનશે.
સરકાર દ્વારા વિદેશમાં વેપાર કરવા માટે બે નવી સ્કીમોની જાહેરાત કરાઈ છે, પરિણામે નિકાસને વેગ આપી શકાશે. નવી નીતિમાં સંરક્ષણ તેમ જ ફાર્મા સેક્ટરના વિકાસ પર ખાસ ભાર મૂકાયો છે. કેન્દ્રના વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારામન્ દ્વારા જાહેર કરાયેલી વિદેશ વ્યાપાર નીતિમાં ૨૦૨૦ સુધીમાં ભારતને મોટો વ્યાપારી દેશ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

સ્વદેશ પર ફોકસ
સરકારે ૨૦૨૦ સુધીમાં ભારતને વેપારનું મોટું હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે. નવી વિદેશ વેપાર નીતિ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા તેમ જ ઇઝ ઓફ ડુઈંગનાં સપનાને સાકાર કરવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઈ-કોમર્સ દ્વારા કરાતી નિકાસને વેગ આપવા તેમાં નિકાસ પ્રોત્સાહનોવાળી યોજનાઓને સામેલ કરાઇ છે.

બે નવી યોજના
નવી નીતિ હેઠળ મર્ચન્ડાઇઝ અને સર્વિસીસની નિકાસને વેગ આપવા સરકારે સર્વિસ એક્સ્પોર્ટ ઇન્ડિયા સ્કીમ (એસઈઆઈએસ) તેમ જ મર્ચન્ડાઇઝ એક્સ્પોર્ટ ઇન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) નામની બે નવી સ્કીમો શરૂ કરી છે. અગાઉની પાંચ સ્કીમોને આમાં સમાવી લેવાઇ છે. આ સ્કીમોને કારણે પ્રોડક્ટની ગુણવત્તા સુધરશે તેમ જ વેલ્યૂ એડિશન શક્ય બનશે.
નવી નીતિમાં ૨૦૧૫-૨૦૨૦ સુધી ભવિષ્યમાં મુક્ત વ્યાપાર કરારો કરવા માટે હાઈ વેલ્યૂ એડિશન પ્રોડક્ટ પર વધુ ધ્યાન અપાશે. આ માટે બે નવી સ્કીમો એમઈઆઈએસ તેમજ એસઈઆઈએસની જાહેરાત કરાઈ છે. ઈ-કોમર્સના નિકાસકારોને એમઈઆઈએસ સ્કીમના દાયરામાં લવાશે જ્યારે એસઈઝેડને એમઈઆઈએસ અને એસઈઆઈએસના લાભ મળશે. તમામ રાહતોને આ બંને સ્કીમ હેઠળ મૂકાશે.
નિકાસને વિશેષ મહત્ત્વ
વાણિજ્ય સચિવ રાજીવ ખેરના જણાવ્યા મુજબ સરકાર ૨૦૨૦ સુધીમાં નિકાસને ૯૦૦ બિલિયન ડોલરના સ્તર સુધી પહોંચાડવા માગે છે, પરિણામે વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો બે ટકાથી વધીને ૩.૫ ટકા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter