અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ નાદારીના આરે પહોંચી

Thursday 02nd December 2021 06:21 EST
 
 

મુંબઈઃ અનિલ અંબાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની તરીકે એક સમયે વિખ્યાત રિલાયન્સ કેપિટલ લિમિટેડ વિવિધ ચૂકવણી જવાબદારીઓને પહોંચી વળવામાં નિષ્ફળ રહેતાં કંપનીના બોર્ડને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બરખાસ્ત - સુપરસીડ કર્યું છે. હવે રિઝર્વ બેંક ટૂંક સમયમાં ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી નિયમો - ૨૦૧૯ હેઠળ કંપનીની નાદારીની પ્રક્રિયા શરૂ કરશે.
આરબીઆઈએ કંપનીના બોર્ડને બરખાસ્ત કરતાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે રિલાયન્સ કેપિટલ લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કંપની દ્વારા તેના ધિરાણદારોને વિવિધ ચૂકવણી જવાબદારીઓને પહોંચી વળવામાં નિષ્ફળ જતાં અને ગંભીર શિસ્ત-ગવર્નન્સ ઉલ્લંઘનની ચિંતાને કારણે સુપરસીડ કરવામાં આવ્યું છે. આ સાથે આરબીઆઈ દ્વારા કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાગેશ્વર રાવની નિમણૂંક કરવામાં આવી છે.
ટૂંક સમયમાં રિઝર્વ બેન્ક દ્વારા ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી રૂલ્સ ૨૦૧૯ હેઠળ કંપનીની નાદારીમાં લઈ જવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવા એનસીએલટી-મુંબઈમાં અરજી કરશે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કેપિટલ રૂ. ૬૨૪ કરોડની હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લીધેલી લોનો પરનું વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ થઈ હોવાનું ૨૭ નવેમ્બર ૨૦૨૦ના કંપનીએ શેરબજારને જાણ કરી હતી. કંપની એચડીએફસીને રૂ. ૪.૭૭ કરોડ અને એક્સિસ બેન્કને વ્યાજ પેટે ૩૧ ઓક્ટોબરના રૂ. ૦.૭૧ કરોડ ચૂકવવામાં ડિફોલ્ટ થઈ છે. રિલાયન્સ કેપિટલ દ્વારા એચડીએફસી પાસેથી છ મહિનાથી સાત વર્ષ માટે ૧૦.૬ ટકાથી ૧૩ ટકાના વ્યાજે મુદતી લોન અને એક્સિસ બેંક પાસેથી ૮.૨૫ ટકાના વ્યાજદરે ૩થી ૭ વર્ષ માટે મુદતી લોન લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter