પાંચ દેશોમાં આવેલી કૌભાંડી નીરવ મોદીની રૂ.૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત

Wednesday 03rd October 2018 06:26 EDT
 
 

નવી દિલ્હી/લંડનઃ પંજાબ નેશનલ બેંક સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી ૪૭ વર્ષીય નિરવ મોદીની દેશ અને વિદેશસ્થિત સંપત્તિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જપ્ત કરાઈ હતી. ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નીરવ મોદીની વિદેશમાં આવેલી સંપત્તિ જપ્ત કરવાના લીધેલા નિર્ણય બાદ તેની રૂ.૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. લંડનમાં મેરિલબોન રોડ પર આવેલી ૧૦૩, મેરેથોન હાઉસની તેની પ્રોપર્ટી પણ જપ્ત કરાઈ હતી. ૨૦૧૭માં નીરવની બહેન પૂર્વી મોદી સાથે સંકળાયેલી બેલ્વિડિયર હોલ્ડિંગ્સ ગ્રૂપના નામે ખરીદાયેલી આ પ્રોપર્ટીની કિંમત રૂ. ૫૬.૯૭ કરોડ થાય છે. પૂર્વી આ મકાનની બેનીફિશીયરી છે. સિંગાપુરના બેન્ક ખાતામાં રૂ. ૪૪ કરોડ જમા છે. આ રકમ પણ નીરવની બહેન પૂર્વી અને તેના પતિ મૈનાક મહેતાના નામે છે. આ ઉપરાંત ઇડીએ નીરવ મોદીના વિદેશના પાંચ બેન્ક ખાતા પણ સીલ કર્યા છે. આ ખાતામાં કુલ રૂ. ૨૭૮ કરોડ જમા છે. હોંગકોંગથી રૂ. ૨૨.૬૯ કરોડના હીરા અને ઝવેરાત ભારત લવાયું છે. દક્ષિણ મુંબઈમાં આવેલું રૂ.૧૯.૫ કરોડની કિંમતનું એક મકાન પણ ઇડીએ જપ્ત કર્યું છે.

ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કમાં નીરવ મોદીએ ખરીદેલી સ્થાવર મિલકતો પણ ઇડીએ જપ્ત કરી છે જેની કિંમત રૂ.૨૧૬ કરોડ થવા જાય છે.

વિદેશોમાં પણ આ રીતે સંપત્તિને કોઈ ક્રિમિનલ કેસમાં એજન્સી દ્વારા ટાંચમાં લેવાઈ હોય તેવા બહુ ઓછા કેસ છે. ઈડીએ વિદેશમાં રહેલી નીરવ મોદીની આશરે ૪ હજાર કરોડની સંપત્તિની કાર્યવાહી શરૂ કરી હોવાનું ગયા મહિને જ સામે આવી ચૂક્યું હતું. જોકે ૧૩ હજાર કરોડની સામે આ સંપત્તિ બહુ જ ઓછી છે.

ઈડીએ એમ પણ જણાવ્યું હતું કે આ જ કેસમાં અન્ય આરોપી આદિત્ય નાણાવટીની સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ છે. તેના પર પણ મની લોન્ડરિંગના આરોપ લગાવાયા છે. આ કેસમાં મૂળ આરોપી નિરવ મોદી અને મેહુલ ચોક્સી છે. બંને હાલ અલગ અલગ દેશોમાં છે અને ભારત પરત આવવાની ના પાડી રહ્યા છે. જેને પગલે હવે તેમની જે પણ સંપત્તિ વધુ છે તેની જપ્તીની કાર્યવાહી થશે. તેમાં તેમના ફ્લેટ્સ અને અન્ય શોપ્સ વગેરેનો સમાવેશ થાય છે.

દરમિયાન, ઇડીએ નવા કાયદા હેઠળ નીરવને ભાગેડુ જાહેર કરવાની માંગ સાથે કરેલી અરજીનો જવાબ એક મહિનામાં રજૂ કરવા મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદીને જણાવ્યું હતું. નીરવે ૨૯ ઓક્ટોબર સુધીમાં પોતાનો જવાબ આપવાનો રહેશે.

શું શું જપ્ત થયું?

• ન્યૂ યોર્કની રૂ. ૨૧૬ કરોડની બે મિલકત • ૫ બેન્ક ખાતા જેમાં રૂ. ૨૭૮ કરોડ જમા છે • હોંગકોંગથી લવાયેલી રૂ.૨૨.૬૯ કરોડની ડાયમંડ જ્વેલરી • સિંગાપોરના બેન્ક ખાતા જેમાં રૂ. ૪૪ કરોડ છે • મુંબઈમાં રૂ. ૧૯.૫ કરોડનો એક ફ્લેટ • સેન્ટ્રલ લંડનમાં એક ફ્લેટ સહિત રૂપિયા ૫૬ કરોડની પ્રોપર્ટી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter