ફંડિંગ સર્કલના સમીર દેસાઈ વર્ષાંતે CEOની કામગીરી છોડશે

Wednesday 15th September 2021 06:31 EDT
 
 

લંડનઃ નાની ફર્મ્સને ઓનલાઈન ધીરાણ આપતી લંડનસ્થિત કંપની ફંડિંગ સર્કલ- Funding Circleના ૩૮ વર્ષીય સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ સમીર દેસાઈ ૧૨ વર્ષ પછી આ કામગીરી છોડી રહ્યા છે. સમીર દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંતે લિસા જેકોબ્સને કામગીરી સુપરત કરશે. લિસા હાલ લેન્ડિંગ બિઝનેસના બ્રિટિશ ડિવિઝનનું સંચાલન કરે છે. દેસાઈ નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે રહેશે અને હાલ અન્ય કોઈ કેરિયર પ્લાન ધરાવતા નથી.

ફંડિંગ સર્કલની ૧.૫ બિલિયન પાઉન્ડના વેલ્યુએશન સાથે ૨૦૧૮માં સ્થાપના થયા પછી તેના વર્ષો ચડાવઉતાર સાથેના રહ્યા છે. તેના બિઝનેસ મોડેલ અને નફાના અભાવ મુદ્દે ચિંતા વચ્ચે તેના શેર્સમાં પડતી નોંધાઈ હતી. આ સમયે દેસાઈએ ૨૦ મિલિયન પાઉન્ડના શેર વેચ્યા હતા પરંતુ, તાજેતરમાં તેઓ મોટા પાયે સ્ટોકની ખરીદી કરી હતી. હવે તેઓ કંપનીમાં પાંચ ટકાની માલિકી ધરાવે છે. સ્મોલ બિઝનેસીસના ધીરાણકારે અગાઉની ૧૧૩.૫ મિલિયન પાઉન્ડની ખોટમાંથી બહાર આવી ૩૫.૫ મિલિયન પાઉન્ડનો ઓપરેટિંગ પ્રોફિટ દર્શાવ્યો છે. તેના કુલ બાકી લોન ૪.૯ મિલિયન પાઉન્ડની છે જે અગાઉની ૩.૭ મિલિયન પાઉન્ડ કરતાં વધી છે.

દેસાઈએ જણાવ્યું હતું કે ‘ફંડિંગ સર્કલ મજબૂત સ્થિતિમાં છે આથી સીઈઓ તરીકે ૧૨ વર્ષ પછી મેં કંપની સંચાલન છોડવા અને બોર્ડમાં ભૂમિકા માટે યોગ્ય સમય હોવાનો નિર્ણય લીધો હતો. લિસા અમારી આગામી સીઈઓ બનશે તેનો મને આનંદ છે. મેં ગત નવ વર્ષ તેમની સાથે કામ કર્યું છે અને તેઓ ફંડિંગ સર્કલને વધુ ઊંચા સ્તરે લઈ જશે. કોવિડના પરિણામે ઓનલાઈન સ્મોલ બિઝનેસ લેન્ડિંગ તરફ ગતિ વધી છે અને તેનાથી ફંડિંગ સર્કલ માટે પણ તક વધી છે.’

લિસા જેકોબ્સ સપ્ટેમ્બર ૨૦૧૨માં ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે ફંડિંગ સર્કલમાં જોડાયાં તે અગાઉ દેસાઈના પણ પૂર્વ એમ્પ્લોયર બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ કન્સલ્ટન્ટ હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter