ફ્લાઈટમાં વિલંબ બદલ વળતર ચૂકવવા થોમસ કૂકને આદેશ

Tuesday 03rd May 2016 10:23 EDT
 
 

બર્મિંગહામઃ  એક સીમાચિહ્ન ચુકાદા બાદ હવેથી રજાની મજા માણવા જતાં લોકોને અન્ય પ્રવાસીની હરકતને લીધે પણ પ્રવાસમાં વિલંબ થશે તો તેઓ વળતર મેળવવા માટે દાવો કરી શકશે. બર્મિંગહામ કાઉન્ટી કોર્ટે મારિયા એડવર્ડ્સ અને તેના પરિવારને ૮૨૭ પાઉન્ડનું વળતર ચૂકવી આપવા ટ્રાવેલ કંપની થોમસ કૂકને આદેશ કર્યો હતો.

તેઓ ૨૦૧૩માં ટ્યુનિશિયાથી યુકે પરત આવતા હતા ત્યારે તેમની ફ્લાઈટ નવ કલાક મોડી પડી હતી. એક પ્રવાસીએ વિમાનના ઈમરજન્સી ડોરનું હેન્ડલ તોડી નાખ્યુ હતું અને રિપેરીંગ માટેના નવા સાધનો ફ્રાન્સથી મંગાવાતા આ વિલંબ થયો હતો.

ઈયુના નિયમો મુજબ આ કારણને ‘અસાધારણ સંજોગ’ તરીકે વર્ગીકૃત કરાયું હોવાથી અત્યાર સુધી આ કારણે ફ્લાઈટ મોડી પડે તો એરલાઈન્સે કોઈ વળતર ચૂકવવું પડતું ન હતું. મિસિસ એડવર્ડ્સે ઓગસ્ટ ૨૦૧૪માં થોમસ કૂક સામે કેસ દાખલ કર્યો હતો. ટ્યુનિશિયાના પોર્ટ અલ કાન્ટોઈમાં બે અઠવાડિયા ગાળ્યા બાદ પાછા ફરતી વખતે એન્ફિઢા એરપોર્ટ પર તેમને મોડું થયું હતું. ઈયુ રેગ્યુલેશન ૨૬૧/૨૦૦૪ અન્વયે ફ્લાઈટ તેના ગંતવ્ય સ્થાને ત્રણ કલાકથી વધુ મોડી પહોંચે અથવા રદ થાય તો પ્રવાસીને ૪૬૦ પાઉન્ડ સુધીનું વળતર મળવાપાત્ર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter