ફ્લિપકાર્ટનાં સ્થાપક સચિન બંસલે ચૂકવ્યો રૂ. ૬૯૯ કરોડનો ટેક્સ

Saturday 12th January 2019 04:50 EST
 
 

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૯૯ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે. આમાં ફ્લિપકાર્ટની હિસ્સેદારીના વેચાણમાંથી જે નાણાં મળ્યાં હતા તેના પર લાગેલો કેપિટલ ગેઇન ટેક્સ પણ સામેલ છે. સચિનના ભાગીદાર બિન્ની બંસલે પણ વોલમાર્ટને પોતાની હિસ્સેદારી વેચી હતી. જોકે તેમણે પોતાને મળેલી રકમનો ખુલાસો કર્યો નથી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન અને બિન્ની બંસલે હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે ફ્લિપકાર્ટના વેચાણ દ્વારા તેમને કુલ કેટલી રકમ મળી છે.
આવકવેરા વિભાગે સચિન અને બિન્નીની સાથે સાથે ફ્લિપકાર્ટની હિસ્સેદારી વેચનાર બીજા શેરધારકોને નોટિસ મોકલીને શેરવેચાણ દ્વારા કેટલી રકમ મળી હતી તેનો ખુલાસો કરવાનું જણાવ્યું હતું. આ રીતની નોટિસ વોલમાર્ટને પણ મોકલવામાં આવી હતી.
ગત વર્ષે વોલમાર્ટે ૧૬ બિલયન ડોલરમાં ફ્લિપકાર્ટના ૭૭ ટકા શેર ખરીદી લીધા હતા. આ પછી આવકવેરા વિભાગને ૭,૪૩૯.૪૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટનું રજિસ્ટ્રેશન સિંગાપુરમાં થયેલું છે અને વોલમાર્ટ દ્વારા ૯ મે ૨૦૧૮ના રોજ ફ્લિપકાર્ટની હિસ્સેદારી ખરીદવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter