બિઝનેસ માટે બેસ્ટ દેશઃ ભારત છેક ૯૭મા ક્રમે

Friday 18th December 2015 02:32 EST
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વમાં વેપાર-ઉદ્યોગ સ્થાપવા માટે શ્રેષ્ઠ દેશોની યાદી તૈયાર થઇ છે, જેમાં ભારત ૯૭મા ક્રમે છે. ફોર્બ્સે વર્ષ ૨૦૧૫ માટે જાહેર કરેલી બિઝનેસની દૃષ્ટિએ શ્રેષ્ઠ દેશોની આ યાદીમાં કુલ ૧૪૪ દેશોનો સમાવેશ થાય છે. યાદીમાં ભારત કઝાકિસ્તાન (૫૭મો ક્રમ) અને ઘાના (૭૯મો ક્રમ) કરતાં પણ પાછળ છે. દેશમાં વેપાર, નાણાકીય સ્વાયત્તતા અને ભ્રષ્ટાચાર-હિંસા જેવા પડકારોનો સામનો કરવાના માપદંડો પર દેખાવ ખરાબ હોવાથી ભારતને આટલું નીચું સ્થાન મળ્યું છે.

ફોર્બ્સે કહ્યું હતું કે ભારતમુક્ત અર્થતંત્ર તરફ વધી રહ્યું છે, પરંતુ જૂની આત્મનિર્ભર નીતિઓના અંશ હજી પણ જળવાઈ રહ્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, યુવા વસતી અને નિર્ભરતાની સરેરાશ ઘટવાથી, બચત અને રોકાણ દરમાં સુધારો તથા વૈશ્વિક અર્થતંત્ર સાથે વધતા સમન્વયના કારણે ભારતની લાંબા ગાળાની વૃદ્ધિનું દૃશ્ય સકારાત્મક છે.

યાદીમાં બ્રિટન અને જાપાન ક્રમમાં સુધારા સાથે અનુક્રમે ૧૦મા તથા ૨૩મા સ્થાને રહ્યા છે. જ્યારે જર્મની બે ક્રમના સુધારા સાથે ૧૮મા સ્થાને આવ્યું છે. ચીન ત્રણ ક્રમના સુધારા સાથે ૯૪મા સ્થાને મુકાયું છે. સાઉથ આફ્રિકા ૪૭મા, મેક્સિકો ૫૩મા, ઝાંબિયા ૭૩મા, રશિયા ૮૧મા, શ્રીલંકા ૯૧મા, પાકિસ્તાન ૧૦૩મા તથા બાંગ્લાદેશ ૧૨૧મા સ્થાને છે.

ભારતના સકારાત્મક પાસા

ભારત તરફ રોકાણકારોનો પ્રવાહ ૨૦૧૪થી સુધર્યો છે. તેનું કારણ ચાલુ ખાતાના નુકસાનમાં ઘટાડો તથા ચૂંટણી બાદ અર્થતંત્રમાં સુધારો આગળ વધવાની આશા છે. તેનાથી મૂડી પ્રવાહવધ્યો છે અને રૂપિયો સ્થિર થયો છે. કેટલીક બાબતોમાં દેશનું પ્રદર્શન સારું છે.

ભારત સમક્ષ પડકારો

• દેશમાં ગરીબી અને ભ્રષ્ટાચાર • મહિલાઓ સામે હિંસા-ભેદભાવ • અકુશળ વીજઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા • કોપી રાઈટ્સ અધિકારનો અયોગ્ય અમલ • અપૂરતા ગુણવત્તાયુક્ત પ્રાથમિક તથા ઉચ્ચ શિક્ષણ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter