બીએસઇ સેન્સેક્સ સર્વોચ્ચઃ માર્કેટકેપ રૂ. રૂ. 283.70 લાખ કરોડ

Wednesday 30th November 2022 07:00 EST
 
 

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં નવો ઈતિહાસ રચાયો છે. સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતીય શેરબજાર નવી ઊંચાઇએ આંબી રહ્યું છે. મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સ 24 નવેમ્બરના રોજ 62412 પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ સ્પર્શ્યો હતો. સેન્સેક્સને નવી ઐતિહાસિક ટોચને પાર કરવામાં 13 મહિનાનો સમય લાગ્યો છે. બીએસઇ સેન્સેક્સ અગાઉ 19 ઓકટોબર 2021ના રોજ 62245.43ની વિક્રમી સપાટીએ સ્પર્શ્યો હતો.
આ 13 મહિનાની સફરમાં એક તરફ આઈટી જાયન્ટ વિપ્રો લિમિટેડના શેરનો ભાવ 44 ટકાથી વધુ તૂટયો છે. જ્યારે એફએમસીજી જાયન્ટ આઈટીસી લિમિટેડના શેરનો ભાવ આ સમયગાળામાં 38 ટકાથી વધુ વધ્યો છે. આમ બેંકિંગ, એફએમસીજી, ઓટો શેરો આ સફરમાં સર્વાધિક વિનર રહ્યા છે, તો આઈટી શેરો સૌથી વધુ લુઝર રહ્યા છે.
અલબત, બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન - રોકાણકારોની સંપતિ આ સમયગાળામાં રૂ. 271.42 લાખ કરોડથી રૂ. 12.28 લાખ કરોડ વધીને રૂ. 283.70 લાખ કરોડ પહોંચ્યું છે.
કોરોના મહામારી બાદ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય-પુરવઠાની ચેઈનના પરિણામે ફાટમફાટમ ફુગાવા - મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરવાની ફરજ પડી છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રને અડીખમ રાખવામાં સરકારની વિદેશ અને આર્થિક નીતિના સમન્વય સાથે ઘરઆંગણે પુરવઠા સ્થિતિ જળવાઈ રહે એ માટે લેવાયેલા પગલાંથી પરિસ્થિતિ અંકુશમાં રહેતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈઝ) અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ) પાછલા મહિનાઓમાં શેરોમાં નેટ વેચવાલ બન્યા હતા એ ફરી ખરીદદાર બન્યા છે. આ સાથે જ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)ની શેરોમાં ખરીદીના જોરે સેન્સેક્સે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો છે. 13 મહિનાની આ વિક્રમી ઊંચાઈની સફરમાં આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter