બેઝોસ, મેકેન્ઝી ઔર લૌરેન

વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડાઃ જેફ બેઝોસે મેકેન્ઝીને ૨૫૦૦ બિલિયન ડોલર ચૂકવ્યા

Wednesday 10th April 2019 06:57 EDT
 
 

વોશિંગ્ટનઃ દુનિયાના નંબર વન ધનાઢય કપલ જેફ અને મેકેન્ઝી બેઝોસે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી છે. એમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર જેફ બેઝોસ અને તેમની પત્ની મેકેન્ઝી બેઝોસે લગ્નજીવનનો અંત આણીને અલગ અલગ રાહ અપનાવવાનું નક્કી કરી લીધું છે. જેફ અને મેકેન્ઝી વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ જતા ૩ મહિનામાં બન્ને અલગ થઈ જશે. જેફ બેઝોસે છૂટાછેડાના બદલામાં મેકેન્ઝીને ૨,૫૦૦ બિલિયન ડોલર આપ્યા છે. આ સાથે જ મેકેન્ઝી વિશ્વની ચોથા ક્રમની સૌથી અમીર મહિલા બની ગઇ છે.
જેફ અને મેકેન્ઝી વચ્ચે થયેલા છૂટાછેડાના એગ્રીમેન્ટ અનુસાર, મેકેન્ઝીએ એમેઝોનના સંયુક્ત શેરોમાંથી ૭૫ ટકા જેફને આપીને બાકીના ૨૫ ટકા પોતાની પાસે રાખ્યાં છે. બન્નેની પાસે એમેઝોનના કુલ ૧૬ ટકા શેર હતા, તેમાંથી હવે ૪ ટકા મેકેન્ઝીની પાસે છે. જોકે મેકેન્ઝીએ પોતાના હિસ્સાના શેર્સના વોટિંગનો અધિકાર બેઝોસને આપ્યો છે. મેકેન્ઝીએ જેફના અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ અને સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનમાં પણ કોઈ ભાગીદારી માગી નથી.
મેકેન્ઝી એમેઝોનના ત્રીજી મોટી શેરધારક
૪ ટકા શેર મળતાં મેકેન્ઝી એમેઝોનની ત્રીજી મોટી શેરધારક બની છે. જેફ બેઝોસે એમેઝોનના ૧૨ ટકા શેર્સ પોતાની પાસે રાખ્યાં છે. તેઓ એમેઝોનના સૌથી મોટા શેરધારક છે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ વેન્ગાર્ડ એમેઝોનના બીજા નંબરના સૌથી મોટા શેરધારક છે. જોકે એમેઝોનની બાગડોર જેફ બેઝોસના હાથમાં રહેશે.
સાંચેજની પણ છૂટાછેડાની અરજી
જેફ બેઝોસે પત્ની મેકેન્ઝીથી છૂટાછેડા લીધાના બીજા જ દિવસે તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ અને તેના પતિ પેટ્રિક વાઇટસેલે પણ છૂટાછેડા માટે અરજી કરી છે. લોરેન સાંચેજ ટીવી એન્કર છે જ્યારે એના પતિ પેટ્રિક હોલિવૂડની ટેલેન્ટ એન્જસી ડબ્લ્યૂએમઈના સીઇઓ છે અને ૧૪ વર્ષ પહેલા તેમણે લગ્ન કર્યા હતાં. લોરેન અને જેફ બેઝોસ એકબીજા સાથે રિલેશનશીપમાં છે. બે વર્ષ પહેલાં જેફ બેજોસ અને લોરેન સાંચેજ એકબીજાને મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter