લંડનઃ બ્રેક્ઝિટ પછી બ્રિટન અને જાપાન વચ્ચે સૌપ્રથમ વેપારસોદો થવાની શક્યતા જણાય છે. જાપાન સાથે ૮ જૂને વેપાર મંત્રણાઓ શરુ થઈ હતી અને તેમાં નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે. યુકે સરકારને સપ્ટેમ્બર સુધીમાં વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ જવાની આશા છે. બ્રિટને જાન્યુઆરીમાં સત્તાવાર રીતે ઈયુ સાથે છેડો ફાડ્યા પછી જાપાન સાથેનો વેપારીસોદો બ્રિટન માટે પ્રથમ બની રહેશે. બ્રિટનના બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરિયડનો અંત આવવા સાથે ૧ જાન્યુઆરી ૨૦૨૧થી સમજૂતી અમલી બનશે.
યુકે અને જાપાનની વેપાર સમજૂતી મુખ્યત્વે ઈયુ અને ટોક્યો વચ્ચેની સમજૂતી જેવી જ છે પરંતુ બ્રિટિશ ફર્મ્સને જાપાની માર્કેટ્સમાં વધુ પહોંચ અને ટેરિફ્સમાં ઘટાડો મળે તે માટે બ્રિટને વધુ વાટાઘાટ કરી હતી. આ સોદાનો અર્થ એ છે કે બ્રિટિશ ગ્રાહકોને સોની પ્લેસ્ટેશન્સ જેવા જાપાની ટેક માલસામાન સસ્તાં મળશે.
બીજી તરફ, યુકે અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વર્ચ્યુઅલ વેપારમંત્રણાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસે જણાવ્યું છે કે ન્યૂ ઝીલેન્ડ સાથે વેપારસોદાની નજીક જઈ રહ્યા છીએ. ન્યૂ ઝીલેન્ડ સાથે વેપાર સમજૂતી બ્રિટિસ બિઝનેસીસ માટે લાભકારી નીવડવશે તેમ મનાય છે. જોકે, યુએસમાં નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણી અગાઉ યુકે અને યુએસ વેપારસોદો કરી લેશે તેવી આશા ઓસરી રહી છે.
આ વર્ષે ઈયુ સાથે મંત્રણા સફળ થવાની આશા રહી નથી. બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરિયડ પૂર્ણ થવા અગાઉ બ્રિટન અને બ્રસેલ્સ વચ્ચે ભાવિ સંબંધોની શરતો વિશે સમજૂતી થવાની આશા જણાતી નથી. ફિશિંગ રાઈટ્સ અને યુકે કેટલી હદે ઈયુના નિયમોનું પાલન કરવા તૈયાર રહેશે તે મુદ્દે બંને પક્ષો વચ્ચે નોંધપાત્ર મતભેદો રહેવાથી સમજૂતી માટે સમય ઘણો ઓછો રહ્યો છે. યુકેએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈયુ સાથે વાટાઘાટો ઓટમ સુધી લંબાવવા ઈચ્છતું નથી.