નવી દિલ્હી: અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ વકરી રહ્યું છે અને આ યુદ્ધનો વ્યાપ અને અસર ફક્ત આ બન્ને દેશો કે ઇઝરાયેલ પૂરતી સિમિત નથી પણ હવે તેની લપેટમાં સાઉદી અરબ, યુએઈ, કતાર, બહેરિન જેવા દેશો પણ આવી ગયાં છે. ઇરાને આ તમામ દેશો પર જોરદાર હુમલા કર્યા છે. જો યુદ્ધ વધુ આગળ વધશે તો તેની અસર ભારત પર વિપરિત અસર પડી શકે છે. ભારત એક તટસ્થ દેશ હોવા છતાં દેશના મોટાભાગના વેપારો પર આ યુદ્ધની અસર થશે. દેશમાં સોના-ચાંદીથી લઈને શેરબજાર અને બાસમતી ચોખા સુધીના વેપારો પ્રભાવિત થશે તે નક્કી છે.
સમગ્ર મિડલ ઈસ્ટ ક્રૂડ ઓઈલનું મોટું ઉત્પાદક છે અને ભારત ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભર છે. અમેરિકાના દબાણ વચ્ચે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડીને સાઉદી અરબ પાસેથી વધુ ખરીદી શરૂ કરી છે ત્યારે આ યુદ્ધના કારણે સપ્લાઇ ચેઈન ખોરવાઈ જવાની અને તેના કારણે કિંમતોમાં મોટા ઉછાળાની સંભાવના છે. તજજ્ઞો અનુસાર યુદ્ધ થોડું વધુ લંબાશે તો ક્રૂડ ઓઈલની કિંમત બેરલદીઠ 100 ડોલરને પાર થઇ શકે છે. અને જો ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થશે તો તેની સીધી અસર દેશના ફુગાવા પર પડશે.
બીજી તરફ, ભારત મિડલ ઈસ્ટના અનેક દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરે છે. તેમાં ઇરાનનો પણ સમાવેશ થાય છે. યુદ્ધના કારમે ચોખાની નિકાસ પર વિપરીત અસર થઇ શકે છે.
શેરબજાર વધુ તૂટશે અને સોનું-ચાંદી ઉછળશે
યુદ્ધના આરંભ સાથે જ શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. સોમવારે 1000 પોઇન્ટથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા પાછળ શેરબજારમાં આ ઘટાડો આગળ વધી શકે છે. તો બીજી તરફ સોના અને ચાંદીની કિંમતમાં ફરી નોંધપાત્ર ઉછાળો આવી શકે છે.
ડોલર વધારે મજબૂત થશે
ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાની સીધી અસર ડોલર અને રૂપિયા પર પણ પડશે. યુદ્ધના કારણે ડોલરની માંગમાં તીવ્ર વધારો થશે તેને કારણે ડોલર સતત મજબૂત થશે. બીજી તરફ આગામી સમયમાં રૂપિયો વધારે ઢીલો થઇ શકે.


