મુંબઇઃ નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI)ના મતે ભારત નજીકના ભવિષ્યમાં જ સોલાર એનર્જી ઈન્સ્ટોલેશનની દૃષ્ટિએ બીજા ક્રમના સૌથી મોટા સોલાર માર્કેટ તરીકે ઊભરશે. ભારતે માત્ર 14 મહિનામાં 50 ગીગાવોટ સોલાર ક્ષમતા ઊભી કરી છે જે ક્ષમતામાં સૌથી ઝડપી ઉમેરો છે. આ સાથે કુલ ક્ષમતા 150 ગીગાવોટના સીમાચિહ્ન સ્તરે પહોંચી છે.
દેશની પ્રથમ 50 ગીગાવોટની સોલાર ક્ષમતા હાંસલ કરવામાં 11 વર્ષ જેવો સમય લાગ્યો હતો જેની સરખામણીમાં છેલ્લાં 50 ગીગાવોટની ક્ષમતા ખૂબ ઝડપી થઈ છે. ભારતે આ બન્ને વચ્ચે 100 ગીગાવોટની ક્ષમતા ત્રણ વર્ષમાં પ્રાપ્ત કરી છે.
સંગઠનના સીઈઓ સુબ્રમણ્યમ પુલિપકાએ કહ્યું હતું કે સોલાર એનર્જી ક્ષમતા 2030 સુધીમાં 230-300 ગીગાવોટ થશે તેવો અંદાજ છે, જેથી 2030 સુધીમાં દેશની કુલ નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા 500 ગીગાવોટ કરવાનો ટારગેટ પૂરો થઈ શકે. વર્તમાન ગતિએ જોતાં ભારત દર વર્ષે 50 ગીગાવોટની ક્ષમતા ઊભી કરશે તેવો અંદાજ માંડી શકાય.


