ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો

Saturday 16th March 2024 06:06 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ઈલેક્ટ્રોનિક ઉદ્યોગે લગભગ દસ વર્ષ પહેલા નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ અંગેની માહિતી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)ના રિપોર્ટમાં આપી છે, જેમાં જણાવાયું છે કે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે.
સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, ભારતે 10 વર્ષમાં 4.1 લાખ કરોડ રૂપિયાના કુલ 2.45 બિલિયન મોબાઈલ ફોનનું ઉત્પાદન કર્યું છે. લગભગ દસ વર્ષ પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014-15માં આ આંકડો માત્ર 18,900 કરોડ રૂપિયા હતો.
જ્યારે ભારતનું આ ક્ષેત્ર દસ વર્ષ પહેલા એટલે કે 2014માં 78 ટકા આયાત પર નિર્ભર હતું, તે હવે 97 ટકા સુધી આત્મનિર્ભર બની ગયું છે. ઉદ્યોગે આગામી 10 વર્ષમાં રૂ. 20 લાખ કરોડનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને કુલ રૂ. 19.45 લાખ કરોડનું ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરી લીધું છે.
નાણાકીય વર્ષ 2014-15માં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ માત્ર 1,556 કરોડ રૂપિયાની હતી. મોબાઇલ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2024માં આ અંદાજને વધારીને રૂ. 1.2 લાખ કરોડ સુધી પહોંચાડે તેવી ધારણા છે, એટલે કે એક દાયકામાં તેમાં 7500 ટકાનો વધારો જોવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter