અમદાવાદ: ભારતમાં ઓનલાઈન રિટેલ (ઈ-રિટેલ) માર્કેટ વિતેલા નાણાવર્ષમાં જોશભેર આગળ વધ્યું છે. બેઈન એન્ડ કંપનીના ‘હાઉ ઈન્ડિયા શોપ્સ ઓનલાઈન 2026’ રિપોર્ટ અનુસાર, ઓનલાઈન રિટેલ માર્કેટનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (જીએમવી) આશરે 65-66 બિલિયન ડોલર સુધી પહોંચ્યું છે, જે મૂલ્યની દ્રષ્ટિએ 21 ટકાનો વધારો દર્શાવે છે.
જીએસટી દરમાં ઘટાડો, આવકવેરામાં રાહત, ફુગાવામાં ઘટાડો અને ઘટતા વ્યાજ દરોને કારણે 2025માં ખાનગી વપરાશ વૃદ્ધિ - 2022-24નાં 8 ટકાથી - વધીને 10.5 ટકા થઈ છે. ભારતના ઈ-રિટેલ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હોવા છતાં, 2030 સુધીમાં 1.6 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો રિટેલ ક્ષેત્રનો વ્યાપક લક્ષ્યાંક દર્શાવે છે કે વિશાળ ભારતીય ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે ઓફલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાંચ વર્ષ પહેલાં ભારતનો ઇ-રિટેલ બિઝનેસ સંભાવના પર આધારિત હતો, પરંતુ હવે તે વાસ્તવિકતા બની ગયો છે. કુલ બજાર મૂલ્ય બમણાથી વધુ થઈ ગયું છે, વાર્ષિક સક્રિય ખરીદદારોની સંખ્યા લગભગ 300 મિલિયન સુધી પહોંચી છે, અને ડિસ્ટ્રીબ્યુટર ઇકોસિસ્ટમ ત્રણ ગણી થઈ ગઈ છે, જેમાં વૃદ્ધિ મુખ્યત્વે મધ્યમ સ્તરના શહેરો અને જેન ઝેડ દ્વારા સંચાલિત છે.
જેમ જેમ ભારતનો માથાદીઠ જીડીપી 4,000 ડોલરના સીમાચિહ્ન નજીક સરકી રહ્યો છે, અન્ય ઉભરતા બજારોમાં ખર્ચમાં ઐતિહાસિક વધારો થઈ રહ્યો છે, તેમ તેમ ઇ-રિટેલ વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. આગામી પાંચ વર્ષ નિ:શંકપણે ભારતના ઇ-રિટેલ બજારમાં વૃદ્ધિની આગામી લહેરને આગળ ધપાવશે.
જેન ઝેડનું મહત્ત્વનું યોગદાન
જેન ઝેડ ગ્રૂપ એક મહત્વપૂર્ણ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે, જે ઈ-રિટેલ ખરીદદારોના 40-45 ટકા હિસ્સો ધરાવે છે. મેટ્રો શહેરોમાં અન્ય જૂથોની તુલનામાં પ્રતિ ખરીદદાર ખર્ચમાં 2.5 ગણો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ ભૌગોલિક રીતે વધુને વધુ વૈવિધ્યસભર બની રહી છે. ટાયર-2 અને તેનાથી ઉપરના શહેરો 2025 સુધીમાં ઓનલાઈન ઓર્ડરમાં 50 ટકાનો વધારો થયો છે, જ્યારે ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાં તેમનો પ્રવેશ માત્ર 25-30 ટકા છે.
મજબૂત વિસ્તરણ છતાં, ભારતમાં ઈ-રિટેલ પ્રવેશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 1.6 ટકા જેટલો ઓછો જોવા મળે છે. ચીનમાં આ પ્રમાણ 13-14 ટકા છે જ્યારે ઇન્ડોનેશિયામાં 4-4.5 ટકા છે તે જોતાં ભારતમાં આ બજાર વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના ધરાવે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત ક્વિક-કોમર્સ (ઇન્સ્ટન્ટ ડિલિવરી સેગમેન્ટ)માં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. ઈ-કોમર્સની કુલ ગ્રોસ રિટેલ વેલ્યુમાં 16થી 17 ટકા હિસ્સો ક્વિક-કોમર્સનો છે, જે ચીન સહિત મોટાભાગના બજારો કરતાં નોંધપાત્ર રીતે આગળ છે. છેલ્લા બે વર્ષમાં ક્વિક-કોમર્સ સેગમેન્ટ વાર્ષિક ધોરણે બમણું થયું છે, જેમાં કુલ ગ્રોસ રિટેલ વેલ્યુ 2025 સુધીમાં 10થી 11 બિલિયન ડોલર સુધી પહોંચી છે. 2030 સુધીમાં તે 65થી 70 બિલિયન ડોલર સુધી પહોંચવાની અને ઈ-રિટેલની ગ્રોસ રિટેલ વેલ્યુમાં 45થી 50 ટકા યોગદાન આપશે તેવી ધારણા છે.


