ભારતવંશી દિવ્યા સૂર્યદેવરા જનરલ મોટર્સના સીએફઓ

Wednesday 20th June 2018 06:50 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) પદે ભારતવંશી અમેરિકી યુવતી દિવ્યા સૂર્યદેવરાની વરણી થઈ છે. દિવ્યા સૂર્યદેવરા હાલ કંપનીમાં કોર્પોરેટ ફાઈનાન્સિયલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળે છે.
કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે દિવ્યા સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી જનરલ મોટર્સના વર્તમાન સીએફઓ ચક સ્ટીવન્સનું સ્થાન સંભાળશે. ૩૯ વર્ષનાં દિવ્યા સૂર્યદેવરા ચેન્નઈમાં જન્મેલા છે અને જુલાઈ ૨૦૧૭થી કોર્પોરેટ ફાયનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. કંપનીના સીઈઓ મેરી બાર્રા (૫૬) પણ મહિલા છે. બાર્રા અને સૂર્યદેવરાના હોદ્દા ભલે અલગ હોય, પરંતુ તેમની વચ્ચે સમાનતા એ છે કે ઓટો ઉદ્યોગમાં આ ઉચ્ચ સ્થાન સુધી પહોંચનારી તેઓ પ્રથમ મહિલાઓ છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીમાં સીઈઓ કે સીએફઓ જેવા ટોચના સ્થાન પર મહિલાઓ કાર્યભાર સંભાળતી નથી. આમ ટોચના બંને સ્થાન પર મહિલાઓ હોય તેવી જનરલ મોટર્સ પ્રથમ ઓટો કંપની છે.
દિવ્યા સૂર્યદેવરાએ સ્નાતક અને અનુસ્નાતક પદવી ચેન્નાઈની મદ્રાસ યુનિવર્સિટીમાંથી લીધી છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમબીએ અભ્યાસ કરવા ૨૨ વર્ષની વયે તેઓ અમેરિકા પહોંચી હતી. ૨૫ વર્ષની વયે ડેટ્રોઈટ ખાતે જનરલ મોટર્સમાં જોડાતાં પહેલાં તેણે યુબીએસ અને પ્રાઈસવોટરહાઉસ કુપર્સમાં પણ સેવા બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter