લંડનઃ બાર્કલેઝના વડા અને અમેરિકન બેન્કર જેસ સ્ટાલીએ આખરે રાજીનામું આપવું પડ્યું છે. સ્ટાલીના સ્થાને ભારતીય બેન્કર અને જેપી મોર્ગનના પૂર્વ એક્ઝિક્યુટિવ સીએસ વેંકટક્રિશ્નનને બાર્કલેઝના વડા તરીકેની કામગીરી સુપરત કરાઈ છે. અત્યાર સુધી ગ્લોબલ માર્કેટ્સ ટ્રેડિંગ યુનિટના વડા રહેલા વેંકટક્રિશ્નનને બાર્કલેઝમાં જેસ સ્ટાલી જ લાવ્યા હતા. વેંકટક્રિશ્નનની પશ્ચાદભૂ રિસ્ક મેનેજમેન્ટમાં રહી છે. ઈન્વેસ્ટરોનું માનવું છે કે બાર્કલેઝના વડા તરીકે તેમની ભૂમિકા બેન્ક માટે શાંતિકાળ લાવશે.
ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં સ્ટાલીનો જુગાર સફળ થઈ રહ્યો હતો ત્યારે જ સેક્સ ઓફેન્ડર અને મૃત ફાઈનાન્સિયર જેફ્રી એપ્સટેઈન સાથે તેમના સંબંધો પ્રકાશમાં આવ્યા હતા. કોરોના વાઈરસના કાળમાં અસાધારણ ચડાવઉતારના માર્કેટ્સમાં બેન્કની રેવન્યુ વધી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં યુકે વોચડોગ્સ દ્વારા આ સંબંધોની તપાસને તેમણે અવગણી હતી અને પોતાને કશું નહિ થાય તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો જે એક વર્ષ પછી ખોટો સાબિત થયો છે. અગાઉ ૨૦૧૨માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર મેરવીન કિંગના ઈશારે લિબોર રેટ-રિગિંગ કેસમાં બોબ ડાયમન્ડને દૂર કરાયા હતા તેવું જ સ્ટાલી સાથે થયું છે.