ભારતીય શેરબજાર વર્ષમાં 15 ટકા રિટર્ન આપી શકે, સોનાની કિંમત બમણી થશેઃ ક્રિસ વુડ

Wednesday 23rd September 2026 08:36 EDT
 
 

વોશિંગ્ટનઃ જેફરીઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વુડે ભારતીય શેરબજાર અને સોનાની કિંમત અંગે બહુ મહત્ત્વની આગાહી કરી છે. ભારતના એક અગ્રણી બિઝનેસ અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પ્રવર્તમાન જિયો-પોલિટિકલ સંજોગો વધુ ન વણસે તો ભારતીય શેરબજારમાંથી આગામી એક વર્ષમાં આશરે 15 ટકા રિટર્ન મળી શકે છે. આ બાબતનો આધાર કંપનીઓની કમાણી વધવા પર પણ છે એમ કહીને તેમણે એ વાત ભણી અંગૂલિનિર્દેશ કર્યો હતો કે આઈપીઓ દ્વારા સતત આવી રહેલો ઈક્વિટી સપ્લાય રિટર્ન સીમિત કરી રહ્યો છે. તેમની સાથેની પ્રશ્નોત્તરીના અંશોઃ
• સોના અંગે શું દૃષ્ટિકોણ છે? સોનું આખરે 10,000 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે (આંતરરાષ્ટ્રીય બજારમાં વર્તમાન કિંમત આશરે 4,300 ડોલર છે). આ માટે અમેરિકામાં ફેડરલ રિઝર્વે દર વધારવાનું બંધ કરવું પડશે. અમેરિકા પર દેવું એટલું વધારે છે કે ઊંચા દર તેના માટે બોજ બની શકે છે.
• સ્મોલ, મિડકેપ શેર પર શું કહેવું છે? લાંબા ગાળાના રોકાણકારોએ પોતાના રોકાણનો અડધો હિસ્સો સ્મોલ-મિડકેપ ફંડમાં લગાવવો જોઈએ, અહીં રસપ્રદ ગ્રોથ સ્ટોરી જોવા મળે છે. જોકે સાચા ફંડ મેનેજરની પસંદગી અત્યંત જરૂરી છે.
• અમેરિકન બોન્ડ યીલ્ડ વધવાથી ભારતીય શેરબજારને કેટલું જોખમ? અમેરિકામાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ 5 ટકા આસપાસ છે, જો આ 5.5 - 6 ટકા સુધી પહોંચે તો બજાર માટે અસહજ સ્થિતિ બની શકે છે.
• ભારતીય બજાર માટે તમારી નજરે સૌથી મોટું જોખમ ક્યું? જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અચાનક અટકી જાય, તો બજારમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે હાલમાં આ રોકાણ સ્થિર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter