ભારતીય શેરબજારમાં બ્લેક ફ્રાઇડેઃ સેન્સેક્સ ૧૬૮૮ પોઇન્ટ તૂટ્યો

Friday 03rd December 2021 06:25 EST
 
 

મુંબઇઃ દુનિયાના અનેક દેશોમાં ૨૬ નવેમ્બરે ‘બ્લેક ફ્રાઇડે સેલ’ ચાલી રહ્યું હોવાથી લોકો ધૂમ ખરીદી કરી રહ્યા હતા ત્યારે ભારતીય શેરબજારમાં ધૂમ વેચવાલી નીકળી પડતાં બીએસઇ સેન્સેક્સમાં ૧૬૮૮ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ભારતીય શેરબજાર માટે આ દિવસ ખરા અર્થમાં બ્લેક ફ્રાઇડે પુરવાર થયો હતો.
એકાદ મહિના અગાઉ ‘પેન્ડેમિક’ હવે ‘એન્ડેમિક’ બની ગયો હોવાનું માનીને સર્વોચ્ચ સપાટીને સ્પર્શનાર ભારતીય બજારમાં ગયા શુક્રવારે તમામ સેક્ટરમાં વેચવાલીનો માહોલ હતો. કોવિડના નવા આફ્રિકન વેરિઅન્ટના અહેવાલે દુનિયાભરના બજારોને હચમચાવ્યાં હતાં અને તેમાં ભારતીય બજારે સાત મહિનાથી વધુ સમયગાળા બાદ ૩ ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૧૬૮૭.૯૪ પોઈન્ટ્સ ગગડી ૫૭,૧૦૭.૧૫ પર જ્યારે નિફ્ટી ૫૦૯.૮૦ પોઈન્ટ્સના ઘટાડે ૧૭,૦૨૬.૪૫ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના ૫૦માંથી ૪૫ કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે પાંચ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ જોવા મળ્યાં હતાં. શુક્રવારે એક જ દિવસમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. ૭.૩૬ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું અને તે રૂ. ૨૫૮ લાખ કરોડ પર જોવા મળી હતી. આમ ૨૨ ઓક્ટોબરે નિફ્ટી ૧૮,૪૦૦ના સ્તરે ટ્રેડ થતો હતો ત્યારે રૂ. ૨૭૬ લાખ કરોડની વેલ્થમાંથી રૂ. ૧૮ લાખ કરોડનું ધોવાણ નોંધાઈ ચૂક્યું હતું. જે માર્ચ ૨૦૨૦ બાદ માસિક ધોરણે જોવા મળેલો સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટી તેના ટોચના સ્તરેથી ૯ ટકા જેટલો ગગડી ચૂક્યો છે.
શુક્રવારે બજારમાં પેનિકને જોતાં એનાલિસ્ટ્સ નજીકના સમયગાળામાં વધુ ૨-૪ ટકા ઘટાડાની શક્યતા જોઈ રહ્યાં છે. તેમના મતે નિફ્ટીએ ૨૦-સપ્તાહની મૂવિંગ એવરેજનું ૧૭,૨૦૦નું સ્તર તોડતાં તેના માટે હવે ૧૬,૪૦૦નું ૩૪-સપ્તાહની મૂવિંગ એવરેજ મહત્ત્વનો સપોર્ટ છે. જ્યારે તે તૂટશે તો ૨૦૦-દિવસની મૂવિંગ એરવેજનું ૧૬,૧૦૦નો સપોર્ટ રહેશે. સામાન્ય રીતે બુલ માર્કેટમાં જ્યારે પણ કરેક્શન જોવા મળે છે ત્યારે તે ૨૦૦-ડીએમએનો સપોર્ટ મેળવતાં હોય છે. બીએસઈ ખાતે ૩૪૧૫ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨૨૯૦ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર ૧૦૨૩ સુધારો સૂચવતાં હતાં. જોકે નેગેટિવ માર્કેટ બ્રેડ્થ વચ્ચે પણ ૩૭૦ કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં અને ૨૩૪ કાઉન્ટર્સે વાર્ષિક ટોચ પણ દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter