ભારતીય શેરબજારમાં રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ સ્વાહા

Tuesday 10th May 2022 09:58 EDT
 
 

મુંબઇઃ ભારતીય શેરબજાર તાજેતરના દિવસોમાં રોકાણકારો માટે ભારે નુકસાનદાયી પુરવાર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા વ્યાજદરમાં ઓચિંતો જ ૪૦ બેસિસ પોઇન્ટ્સનો વધારો અને યુએસ ફેડ તરફથી અપેક્ષિત ૫૦ બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિના પગલે બજારમાં તા. 4થી 6ના ત્રણ જ દિવસમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 11 લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે. માર્કેટ નિષ્ણાતોના મતે ભારતીય બજારમાં ચોથા ક્વાર્ટરના પરિણામોની સિઝન વચ્ચે ફુગાવાની ચિંતાએ બજારની ચિંતા વધારી છે. એપ્રિલ પ્રારંભે રેટ વૃદ્ધિ નહિ કરીને એકોમોડેટિવ વલણ જાળવી રાખનાર આરબીઆઈએ ગયા બુધવારે ઓચિંતા જ રેટ વૃદ્ધિ કરીને માર્કેટ પાર્ટિસિપન્ટ્સને આંચકો આપ્યો હતો, જેના પાછળ બજાર કડડભૂસ થયું હતું. ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી દર્શાવી રહ્યાં છે. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટી-ફિફટી 15600થી 18300ની બ્રોડ ટ્રેડિંગ રેંજમાં અથડાતો જોવા મળ્યો છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં નાણાં સંસ્થાઓએ રૂ. 1.4 લાખ કરોડનું જંગી વેચાણ નોંધાવ્યું છે. જે સૂચવે છે કે તેમના તરફથી નજીકના દિવસોમાં વેચવાલી અટકે તેવી શક્યતા પાંખી છે. બીજી બાજુ ભારતીય સંસ્થાઓ તેમજ રિટેલ રોકાણકારો તરફથી બજારમાં ખરીદી ચાલુ છે. જોકે તેમ છતાં બજાર ઘસાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter