ભારતીય શેરબજારમાં ૧૫૪૬ પોઇન્ટનો કડાકો

Thursday 27th January 2022 04:59 EST
 
 

મુંબઇઃ ભારતીય શેરબજારમાં સોમવારે એપ્રિલ ૨૦૨૧ પછીનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. જેમાં બીએસઇ સેન્સેક્સ ૧૫૪૫.૬૭ પોઈન્ટ્સ (૨.૬૨ ટકા) જ્યારે નિફ્ટીમાં ૪૬૮.૦૫ પોઈન્ટ્સ (૨.૬૬ ટકા)નો તીવ્ર ઘટાડે બંધ જોવા મળ્યા હતા. રોકાણકારોની વેલ્થમાં રૂ. ૯.૧૩ લાખ કરોડનું તીવ્ર ધોવાણ જોવા મળ્યું હતું.

શેરબજારમાં ઘટાડાનાં મુખ્ય કારણો
• યુએસ ફેડરલ દ્વારા સંભવિત વ્યાજદર વૃદ્ધિ
• ક્રૂડના ભાવ ઊંચકાતા ફુગાવામાં વધારાની આશંકા
• યુક્રેન મામલે રશિયા-અમેરિકા વચ્ચે તણાવ
• બજેટમાં વેલ્થ ટેક્સ લદાય તેવી શક્યતા

ભારતીય શેરબજાર
• વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી
• ઓમિક્રોનના વધતા કેસોથી વૈશ્વિક વૃદ્ધિ રુંધાવાની આશંકા
• પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષની જીત અંગે આશંકા
• આગામી બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફારન સંભાવના
• બજેટમાં વેલ્થ ટેક્સ લદાય તેવી શક્યતા

અલબત્ત, મંગળવારે સેન્સેક્સ ૩૬૬ પોઇન્ટના સુધારા છતાં ૫૮ હજારની નિર્ણાયક સપાટીને ઓળંગવામાં નિષ્ફળ રહ્યો હતો. મંગળવારે બીએસઇ સેન્સેક્સ ૫૭૮૫૮ પોઇન્ટ પર જ્યારે નિફ્ટી ૧૨૮ પોઇન્ટ વધીને ૧૭૨૭૭ પર બંધ રહ્યો હતો. અગાઉ ૧૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ બેન્ચમાર્કમાં ૩ ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.
સતત વધતો ફુગાવો, યુએસ ફેડરલ દ્વારા સંભવિત વ્યાજદર વધારો, યુક્રેન મામલે રશિયા-અમેરિકા વચ્ચે વધતો તણાવ અને વિશ્વભરમાં વધતાં ઓમિક્રોન કેસો સહિતના પ્રતિકુળ અહેવાલોએ સેન્સેક્સને કમ્મરતોડ ફટકો માર્યો હતો. અધૂરામાં પૂરું, વૈશ્વિક બજારોની નરમાઇ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
વિશ્વભરના શેરબજાર જેના પર નજર માંડીને બેઠા હોય છે તેવા યુએસના બજારોમાં અવિરત ઘટાડાના પગલે દુનિયાભરના બજારો ઘટાડાતરફી જોવા મળી રહ્યા છે. જેમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતીય બજારે સોમવારે સૌથી ઊંચું અન્ડરપર્ફેર્મન્સ દર્શાવ્યું હતું.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯.૧૩ લાખ કરોડનું ધોવાણ
નવ મહિનાના આ સૌથી મોટા કડાકાથી ભારતીય રોકાણકારોની વેલ્થમાં સોમવારે રૂ. ૯.૧૩ લાખ કરોડનું તીવ્ર ધોવાણ જોવા મળ્યું હતું. મુંબઇ શેરબજારમાં ગયા સપ્તાહાંતે રૂ. ૨૬૯.૬૫ લાખ કરોડ પર જોવા મળતી વેલ્થ ગગડીને રૂ. ૨૬૦.૫૨ લાખ કરોડ પર આવી ગઈ હતી. માત્ર પાંચ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. ૧૯.૫૦ લાખ કરોડનું તીવ્ર ધોવાણ નોંધાયું છે. જે માર્ચ ૨૦૨૦ પછીનું સૌથી મોટું ધોવાણ છે.
એફઆઇઆઇની રૂ. ૨૦ હજાર કરોડની વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ છેલ્લા બે સપ્તાહમાં જ ભારતીય બજારમાં રૂ. ૨૦ હજાર કરોડનું વેચાણ નોંધાવ્યું છે. આમાં પણ વીતેલા સપ્તાહે તો છેલ્લા ત્રણ સત્રોમાં જ તેમણે રૂ. ૧૦ હજાર કરોડના શેર વેંચ્યા છે. આની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ ખરીદીમાં ખાસ રસ દર્શાવ્યો નથી અને રિટેલ રોકાણકારો બજારમાં નવી ખરીદીથી અંતર જાળવી રહ્યા છે. આ સંજોગોમાં શેરબજાર હજી પણ ઘટી શકે છે તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે.

પાંચ પ્રચંડ કડાકા
તારીખ કડાકો
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ ૧૯૩૯
૧૨ એપ્રિલ ૨૦૨૧ ૧૭૦૮
૨૬ નવેમ્બર ૨૦૨૧ ૧૬૮૮
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ ૧૫૪૬
૨૦ ડિસેમ્બર ૨૦૨૧ ૧૧૯૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter