મુંબઇ શેરબજારમાં કભી મંદી, કભી તેજી

Thursday 17th February 2022 09:27 EST
 
 

અમદાવાદઃ રશિયા અને યૂક્રેન વચ્ચે કોઈ પણ સમયે યુદ્ધ છેડાઇ શકે છે તેવી આશંકાના પગલે દુનિયાભરના શેરબજારોની સાથે સાથે મુંબઇ શેરબજારના સેન્સેક્સમાં પણ સોમવારે ૧૭૪૭ પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. બીએસઇ સેન્સેક્સમાં વર્ષનો આ સૌથી મોટો કડાકો હતો. જોકે બીજા દિવસે મંગળવારે રશિયા-યૂક્રેન વચ્ચે તનાવ ઘટી રહ્યો હોવાના અહેવાલ આવતાં આ જ શેરબજારોમાં તેજીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. મંગળવારે બીએસઇ સેન્સેક્સમાં ૧૭૩૬.૨૧ પોઇન્ટનો જ્યારે નિફ્ટી ૫૦૯.૬૫ પોઇન્ટ ઊંચકાઇને ૧૭૩૫૨.૪૫ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. સોમવારના પ્રચંડ કડાકા માટે નિષ્ણાતો, માર્કેટ નિરીક્ષકોના મતે અમેરિકા મોંઘવારીના ભરડામાં સપડાયું હોવાથી યુએસ ફેડ હવે માર્ચ સુધી રાહ જોવાના બદલે કોઈ પણ સમયે ૫૦ બેસીસ પોઈન્ટ્સની ઊંચી રેટ વૃદ્ધિ દર્શાવે તેવી પૂરી શક્યતા છે, જેણે ટ્રેડર્સમાં ગભરાટ પેદા કર્યો છે. વૈશ્વિક કારણોની વચ્ચે ગયા સપ્તાહે રજૂ થયેલો ઈન્ડસ્ટ્રીઅલ ઉત્પાદનનો આંક પણ અપેક્ષાથી નબળો જોવા મળ્યો હતો, જેણે પડતાં પર પાટુ માર્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) તરફ્થી વેચવાલીની તીવ્રતા વધી રહી છે. ભારે વેચવાલી પાછળ સોમવારે એક જ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. ૮.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. આ પૂર્વે બે ટ્રેડિંગ સત્રોમાં બજારના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં રૂ. ૧૨.૩૯ લાખ કરોડનું ગાબડું પડયું હતું. બીએસઈનું માર્કેટ-કેપ રૂ. ૨૫૭.૮૧ લાખ કરોડ પરથી રૂ. ૨૫૫.૪૨ લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે તાજેતરના સપ્તાહોમાં તીવ્ર ધોવાણ સૂચવતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter