દુબઈ: મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)એ ‘ઓપેક’ અને ‘ઓપેક’ પ્લસ જૂથમાંથી બહાર નીકળી ગયું છે. અલબત્ત, યુએઈએ મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે ‘ઓપેક’ સાથે છેડો ફાડ્યાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામસામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.
વિચારપૂર્વક નિર્ણયઃ યુએઇ
યુએઈના ઊર્જા મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, યુએઈ 1967થી ‘ઓપેક’ (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીસ) અને ‘ઓપેક’ પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિની સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોથી ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે.
યુએઇ હવે ‘બંધન’મુક્ત
‘ઓપેક’ અને ‘ઓપેક’ પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા માટે ઉત્પાદન વધારવા કે ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજી બાજુ, યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ‘ઓપેક’ના પ્રતિબંધથી યુએઈ પોતાની ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બેરલ છે. એટલું જ નહીં, યુએઈનું લક્ષ્ય 2027 સુધીમાં ઉત્પાદન ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આમ ‘ઓપેક’ છોડવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલ ઉત્પાદન કરી શકશે.
વળી, ‘ઓપેક’ માત્ર ડોલરમાં જ ઓઈલ ડીલ કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર છે. યુએઈએ મહિનાની શરૂમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.
તો ભારતને પણ ફાયદો
યુએઈ દ્વારા ‘ઓપેક’ છોડવાથી ભારતને ફાયદો થવા શક્યતા છે. ભારત લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી ‘ઓપેક’માં થતી કોઈપણ હિલચાલ સીધી ભારતના અર્થતંત્રને અસર કરે છે. યુએઈ ઓપેકની ક્વોટા સિસ્ટમમાંથી બહાર થઈને ઓઈલ ઉત્પાદન વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે. તેનાથી ભારતને પણ આયાતી ઓઈલ સસ્તું મળી શકે છે.


