યુકે સ્નાતકોમાં બેન્કોની નોકરીઓ કરતા એપલ અને ગૂગલની લોકપ્રિયતા વધુ

Tuesday 17th May 2016 04:58 EDT
 
 

લંડનઃ બેન્કો જેવી પરંપરાગત વધુ વેતનો આપતી ઈન્ડસ્ટ્રીના બદલે નોકરીની સલામતી અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપતી નોકરીઓ યુકેના ગ્રેજ્યુએટ્સમાં લોકપ્રિય બની રહી છે. ગ્લોબલ રીસર્ચ અને એડવાઈઝરી પેઢી યુનિવર્સમના અનુસાર યુકેના ગ્રેજ્યુએટ્સ HSBC અને બાર્કલેઝ બેન્કોમાં કામ કરવાના બદલે એપલ અને ગૂગલમાં નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. બેન્કિંગ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિયતા ૨૦૧૪ પછી ચાર ટકા ઘટી છે. આ જ પ્રમાણે, ઈજનેરી સ્નાતકો ઓઈલ કંપનીઓમાં નોકરી કરવામાં ઓછો રસ ધરાવે છે. અભ્યાસના તારણો અનુસાર યુકેમાં ટેકનો જાયન્ટ ગૂગલ અને એપલ સૌથી આકર્ષક નોકરીદાતા તરીકે આગળ આવ્યા છે. કન્સલ્ટિંગ પેઢી પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PwC) ત્રીજા સ્થાને આવે છે.

યુનિવર્સમ દ્વારા સમગ્ર યુકેમાં ૧૦૯ યુનિવર્સિટીઓમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો. નવા ગ્રેજ્યુએટ્સને પરંપરાગત રીતે વધુ પગારો આપતી નોકરીઓનું આકર્ષણ રહ્યું ન હોવાનું જણાયું હતું. યુકેના ટોપ એમ્પ્લોયર્સની યાદીમાં યુકેની બેન્કો HSBC અને બાર્કલેઝ અનુક્રમે ૨૭મો અને ૨૮મો ક્રમ ધરાવે છે, જે ૨૦૧૫માં ચોથો અને ત્રીજો ક્રમ હતો. યુએસની જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાશ ટોપ ટેનમાં છે, પરંતુ અગાઉના સ્થાનો ગુમાવ્યા છે. ટોપ ટેનની યુનિવર્સમ યાદીમાં જેપી મોર્ગન (૪), લો’રીઅલ (૫), ગોલ્ડમેન સાશ (૬), બીબીસી (૭), ડેલોઈટ્ટ (૮), નાઈકે (૯), અને અર્નેસ્ટ એન્ડ યંગ (૧૦) નો સમાવેશ થયો છે.

ગ્લાસડોર દ્વારા અન્ય અભ્યાસમાં પણ સ્નાતકોને બેન્કિંગની નોકરીઓ કરતા ટેકનોલોજી પેઢીઓમાં વધુ રસ જણાયો હતો. સર્વેમાં સોફ્ટવેર ફર્મ SAP સરેરાશ ૯૦,૦૦૦ પાઉન્ડના પેકેજ સાથે પ્રથમ ક્રમે છે. આ પછી ક્લાઉડ કોમ્પ્યુટિંગ કંપની EMC, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેક્કિન્સે અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપનો નંબર આવે છે. આ કંપનીઓ સરેરાશ વાર્ષિક ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન ઓફર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter