દુબઈ: મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ પણ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. 2021 પછીના સમયગાળામાં દુબઈમાં પ્રોપર્ટીની કિંમતોમાં આશરે 60 થી 75 ટકા સુધીનો વધારો થયો હતો. ટેક્સમાં રાહતો, ઊંચી ભાડાની આવક અને વિદેશી રોકાણકારોના વધતા રસને કારણે બજારમાં ભારે તેજી આવી હતી. પરંતુ, ઈરાનના હુમલાને કારણે રિયલ એસ્ટેટ ઈન્ડેક્સમાં 30 ટકાનો ઘટાડો થયો છે.
બ્રિટનના રિઅલ એસ્ટેટ રોકાણકાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સેમ્યુઅલ લીડ્સ જણાવ્યા અનુસાર, દુબઈમાં ખરીદેલું તેમનું ઘર હવે વેચાતું નથી. તેણે બજારમાં તેજી દરમિયાન લાખો પાઉન્ડનું રોકાણ કર્યું હતું પરંતુ, હવે ખરીદદારો નથી મળી રહ્યા. સેમ્યુઅલની જેમ ઘણા ધનિક રોકાણકારો દુબઈમાં પોતાના રોકાણ અંગે ફરી વિચાર કરી રહ્યા છે.
બજારમાં નવા સોદાઓ અટકી ગયા છે. આ વચ્ચે 2025માં વધેલો રિઅલ એસ્ટેટ સપ્લાય પણ ચિંતાનો વિષય બન્યો છે. હાલ યુદ્ધને કારણે ઘણા વિદેશી નાગરિકો દુબઈ છોડીને જતા રહ્યા છે, ઘણી કંપનીઓએ સ્ટાફ ખસેડવાનું શરૂ કર્યું અને ટુરિઝમ સેક્ટરમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ મુજબ, યુએઈ સરકાર વિદેશીઓને પાછા લાવવા માટે ટેક્સ નિયમોમાં છૂટછાટ આપવા સહિતની વિચારણા કરી રહી છે.


