રાજસ્થાનમાં ભારતનો સૌથી મોટો સોલર પાર્ક સ્થપાશેઃ અદાણી ગ્રૂપનો સહયોગ

Thursday 12th February 2015 06:28 EST
 

જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે. કંપની પોતાની રીતે આવતાં પાંચ વર્ષમાં ૫,૦૦૦ મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપના કરશે.
અદાણી ગ્રૂપ સોલર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને પાવર ઇવેક્યુએશન સિસ્ટમ્સ પણ વિકાસવશે. આ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૪૦,૦૦૦ કરોડનું રોકાણ સૂચિત છે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન (આરઆરઇસી)ના મેનેજિંગ ડિરેક્ટર બી. કે. દોશી અને અદાણીના પાવર બિઝનેસના સીઈઓ વનીત એસ. જૈને ગયા સપ્તાહે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં હતા. આ પાર્કમાં ઉત્પાદન પ્રોજેક્ટ્સ અને સોલર મોડ્યુઅલ, પાર્ટ અને ઇક્વિપમેન્ટના ઉત્પાદન માટેના યુનિટ પણ હશે. ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સોલર પાર્ક સ્થાપવા માટે સંયુક્ત સાહસની રચના કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે ઇક્વિટીના ભાગરૂપે રાજસ્થાન સરકાર જરૂરી જમીન પૂરી પાડશે. જ્યારે સંપૂર્ણ રોકાણ અદાણી એન્ટરપ્રાઇઝિસ દ્વારા કરાશે. કંપનીએ હજુ સુધી રોકાણના આંકડા જાહેર કર્યા નથી કારણ કે વિગતવાર રૂપરેખા તૈયાર કરવાની હજુ બાકી છે.
એક નિવેદનમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ‘સૌર ઊર્જાને કેન્દ્રસ્થાને રાખીને ભારત પુનઃપ્રાપ્ય વીજ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન બનવાની મહત્ત્વકાંક્ષી યોજના ધરાવે છે.’ આ સોલર પાર્ક ૧૬,૬૪૪ મિલિયન યુનિટ ક્લીન અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરાશે અને ભારતના ક્લીન, રિન્યુએબલ એનર્જી સ્વતંત્રતા માટેના લક્ષ્યાંકને વધુ મજબૂતાઈ આપશે.
સરકારે ૨૦૨૨ સુધીમાં ૧ લાખ મેગા વોટ (૧૦૦ ગીગાવોટ) સૌર ક્ષમતા સ્થાપવાની જાહેરાત કરી હતી. સરકારે સમગ્ર દેશમાં ૫૦૦ મેગાવોટ અને તેનાથી વધારે ક્ષમતા ધરાવતા ઓછામાં ઓછા ૨૫ સોલર પાર્ક્સ સ્થાપવા માટે નિયમો પણ જાહેર કર્યા હતાં. ચીન પણ આટલી જ ક્ષમતા ૨૦૨૦ સુધીમાં હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જો બંને દેશ આ લક્ષ્ય હાંસલ કરશે તો પાડોશી દેશ કરતાં ભારત માટે તે મોટી હરણફાળ ગણાશે.
અદાણી જૂથ ૮,૨૮૦ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ભારતનું સૌથી મોટું ખાનગી થર્મલ વીજ ઉત્પાદક ગણાય છે. ચીનની સ્થાપિત સોલર ક્ષમતા હવે ૩૩.૪ ગીગાવોટ છે અને વિશ્વનાં ટોપ-૧૦ પેનલ ઉત્પાદકો ત્યાં પ્લાન્ટ ધરાવે છે. ભારતની ક્ષમતા ૩.૩ ગીગાવોટ છે અને ભારતમાં કોઈ મોટી ફોટો-વોલ્ટેક કંપનીનો પ્લાન્ટ કાર્યરત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter