રિલાયન્સ આંધ્રમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે

Sunday 11th October 2026 09:22 EDT
 
 

હૈદરાબાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આંધ્ર પ્રદેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ્સ સ્થાપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. તેનાથી આગામી દાયકાઓમાં ત્રણ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે અને રાજ્ય માટે અંદાજે 60,000 કરોડ રૂપિયાની આવક ઊભી થશે. મદનપલ્લે ખાતે શુક્રવારે યોજાયેલા રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અને ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના ખાતમુહૂર્ત સમારંભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ કહ્યું હતું કે આ રોકાણથી આંધ્ર પ્રદેશ વધુ સ્વચ્છ એનર્જી તરફ આગળ ધપશે અને ખેડૂતો માટે નવા અવસર ઊભા થશે. તેમણે કહ્યું કે ‘દેશને ખાદ્ય સુરક્ષા પૂરી પાડતા આપણા ખેડૂતો હવે દેશની ઉર્જાની પણ સુરક્ષા પણ પૂરી પાડશે અને ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અને એટલે જ આંધ્રમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ્સ સ્થાપવા માટે 1 લાખ કરોડનું રોકાણ કરવાની તક મળી તે માટે રિલાયન્સ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.’
CBG એ રિન્યૂએબલ ફ્યૂઅલ છે, જે ઓર્ગેનિક વેસ્ટ જેમ કે કૃષિ અવશેષો, છાણ, ફૂડ વેસ્ટ અને અન્ય બાયોમાસ વગેરેને પ્રોસેસ કરીને તેમાંથી મિથેનયુક્ત ગેસ બનાવાય છે, જે પરંપરાગત કુદરતી ગેસ કરતાં વધુ સ્વચ્છ હોય છે અને ટ્રાન્સપોર્ટ, ઈન્ડસ્ટ્રી અને કોમર્શિયલ ક્ષેત્રે તેનો ઉપયોગ થાય છે.
અનંત અંબાણીએ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં જૂન-2024થી અત્યાર સુધીમાં 388 મેગા પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે જેમાં કુલ રૂ. 14 લાખ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે અને સંભવતઃ 11 લાખ નોકરીઓનું સર્જન થશે. આ પૈકી ત્રીજા ભાગનું રોકાણ રાયલસીમા રિજનમાં આવી રહ્યું છે. રિલાયન્સ અહીં ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરને વ્યૂહાત્મક રોકાણ, ડિજિટલ ક્ષમતા, ટેકનિકલ એક્સપર્ટિઝ અને ઈન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સહિતનો સપોર્ટ પૂરો પાડશે. તેમણે એમ પણ કહ્યું કે ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર અને વનતારાની પ્રસ્તાવિક યુનિવર્સિટી વચ્ચે કઈ રીતે સહયોગ થઈ શકે તેની શક્યતા પણ ચકાસીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter