વિખ્યાત અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ ૧.૩ બિલિયન ડોલરમાં વેચાયું

Thursday 30th July 2015 06:49 EDT
 
 

વોશિંગ્ટનઃ જગવિખ્યાત બિઝનેસ અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ને તેના વર્ષોજૂના માલિકે ૧.૩ બિલિયન ડોલરમાં વેંચ્યું છે. વર્ષ ૧૮૮૮માં લંડનમાં સ્થપાયેલા આ અખબારની ઓફિસ બ્રિટન સહિતના મોટા ભાગના દેશોમાં છે. પૂરા વિશ્વમાં આ સમાચારપત્રનું સર્ક્યુલેશન ૭.૨૦ લાખ કોપી છે. વિશાળ વાચકવર્ગ ધરાવતું આ અખબાર જાપાનનાં પ્રખ્યાત અખબાર ‘નિક્કેઇ’ દ્વારા ખરીદવામાં આવ્યું છે.
હાલ ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ની ડિજીટલ એડિશન પાંચ લાખ છે. માત્ર એક વર્ષમાં જ ડિજીટલ એડિશનમાં ૨૧ ટકાનો વધારો થયો હતો, એટલે કે લોકો મોબાઇલ, ટેક્નોલોજી તરફ વળ્યાં હોવાથી ડિજીટલ એડિશન તરફ કંપની હવે વધુ ધ્યાન આપશે.
ઉલ્લેખનીય છે કે ૧૮૮૮માં લંડનમાં સૌપ્રથમ ચાર પાનાનાં આ અખબારની સ્થાપના પત્રકાર જેમ્સ શેરિડન અને હોરેશિયો બોટમલે દ્વારા થઇ હતી. આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલાં લોકોને એક મિત્ર તરીકે મદદ કરવી તે આ અખબારનો મુખ્ય હેતુ હતો. ૧૯૫૭માં આ કંપનીની માલિકી પિયર્સન કંપનીએ લીધી કે જે ઓઇલ કંપની હતી, તે સમયે યુકેમાં વ્યાપારનું પ્રમાણ વધતાં આ અખબારની માગ વધી હતી. અખબારનો સૌથી ખરાબ સમય ૧૯૭૦થી ૧૯૮૦માં આવ્યો હતો. હાલમાં તેનો સૌથી વધુ ફેલાવો બ્રિટન, યુરોપ, યુએસ, એશિયા અને મિડલ ઇસ્ટમાં છે. ૨૦૦૦માં સમાચારપત્ર દ્વારા જર્મન ભાષામાં સમાચારપત્ર શરૂ કરાયું હતું. આમ આ અખબારે બિઝનેસ કોમ્યુનિકેશનમાં વિશ્વમાં સિંહફાળો આપ્યો છે.
આ અખબાર અત્યાર સુધી લંડનમાં પિયર્સન કંપનીની માલિકીનું હતું, પણ પિયર્સન કંપની હવે ટેક્સ્ટ બુક્સનું વેચાણ કરવામાં અને વ્યવસાયને શિક્ષિત વર્ગ સુધી ઓનલાઇન લર્નિંગ ટૂલ તરફ લઇ જવા માગે છે. કંપનીના સીઈઓ જોન ફેલોનનું કહેવું છે કે હાલ માર્કેટમાં મોબાઇલ ફોનનું પ્રમાણ વધી રહ્યું છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ વધારે છે, જેને પગલે લોકો અખબારથી દૂર થઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter