નવી દિલ્હીઃ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાએ યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (યુએસએલ)ના ચેરમેનપદથી રાજીનામું આપ્યું છે. આ કંપનીની સ્થાપના માલ્યા પરિવારે જ કરી હતી, જોકે હવે એના પર સંપૂર્ણ અંકુશ વૈશ્વિક શરાબ કંપની ડિયાજિયોનું રહેશે. રાજીનામાના બદલામાં ડિયાજિયો માલ્યાને ૭૫ મિલિયન ડોલર આપવા માટે સહમત થઈ છે. માલ્યાને કંપનીની તમામ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
લક્ઝુરિયસ જીવનશૈલી માટે જાણીતા વિજય માલ્યાને ઘણી બેન્કોએ વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા, કેમ કે તેમણે કિંગફિશર એરલાઇન્સ માટે અનેક બેન્કો પાસેથી લોનો લીધી હતી. કિંગફિશર એરલાઇન ત્યાર બાદ નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ હતી અને કંપની બંધ પડી છે. માલ્યાએ જણાવ્યું હતું કે તેઓ હવે તેમના સંતાન સાથે ઇંગ્લેન્ડમાં બાકીનો સમય પસાર કરશે. જોકે તેમના પુત્ર સિદ્ધાર્થને યુએસએલ ગ્રૂપની કંપનીના ડિરેક્ટર તરીકે ઓછામાં ઓછા બે વર્ષ સુધી ચાલુ રાખવા માટે ડિયાજિયો સંમત થઈ હતી.
યુએસએલ ગ્રૂપ આઇપીએલ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ક્રિકેટ ટીમની માલિક છે. માલ્યા યુએસએલ ગ્રૂપ કંપનીના બધા જ બોર્ડમાં ચેરમેન અને યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદેથી રાજીનામું આપવા સંમત થયા છે. આ ઉપરાંત તેમણે આરસીબીના મુખ્ય માર્ગદર્શક તરીકે પણ રાજીનામું આપ્યું છે.
માલ્યાએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ સમય છે મારે નીકળી જવાનો. મારા ડિયાજિયો તથા યુએસએલ સાથેના સંબંધો અંગેની અનિશ્ચિતતાને દૂર કરવા માટે હું રાજીનામું આપું છું. ડિયાજિયોએ વિજય માલ્યા સાથે થયેલા કરાર વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે માલ્યાને વ્યક્તિગત જવાબદારી કોઈ હતી નહીં. ડિયાજિયોએ જણાવ્યું હતું કે કંપની તેમને ચેરમેનપદેથી રાજીનામું આપવા માટે ૭૫ મિલિયન ડોલર (રૂ. ૫૧૫ કરોડ) આપવા સહમત થઈ છે.