વોડાફોનને રિમાઇન્ડરઃ રૂ. ૧૪,૨૦૦ કરોડનો વેરો ચૂકવો નહીં તો સંપત્તિ જપ્ત

Friday 19th February 2016 04:25 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારના આવકવેરા વિભાગે બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનને રૂ. ૧૪,૨૦૦ કરોડનો કરવેરો ચૂકવી દેવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે આમાં કસૂર થયે તેની સંપત્તિ જપ્ત થઇ શકે છે. આ રિમાઇન્ડરના જવાબમાં વોડાફોને જણાવ્યું છે કે આવકવેરા વિભાગનું પગલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્સ ફ્રેન્ડલી વાતાવરણના વચન સાથે મેળ ખાતું નથી.
આવકવેરા વિભાગે ચોથી ફેબ્રુઆરીના રોજ વોડાફોન ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ બીવીને કરવેરા પેટે બાકી નીકળતા રૂ. ૧૪,૨૦૦ કરોડની ચૂકવણી માટે ટેક્સ રિમાઇન્ડર મોકલી આપ્યું હતું. ૨૦૦૭માં વોડાફોને હચિસન ઇન્ડિયાનો ટેલિકોમ બિઝનેસ હસ્તગત કર્યો ત્યારથી આ રકમ બાકી બોલે છે.
વોડાફોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આવકવેરા વિભાગ તરફથી ટેક્સ રિમાઇન્ડર મળ્યું છે. જો કંપની કર નહીં ચૂકવે તો તેની સંપત્તિઓ જપ્ત કરવાની ચેતવણી રિમાઇન્ડરમાં ઉચ્ચારવામાં આવી છે. હાલ આ વિવાદનો કેસ આંતરરાષ્ટ્રીય લવાદની અદાલતમાં ચાલી રહ્યો છે.
હચિસનનો ૬૭ ટકા હિસ્સો ખરીદવાના મુદ્દે બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ અને ભારત સરકાર વચ્ચે કરવેરા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. વોડાફોનનો દાવો છે કે હચિસન સાથેનો સોદો વિદેશમાં થયો હોવાથી કંપનીએ ભારત સરકારને કોઇ કર ચૂકવવાનો થતો નથી. જ્યારે ટેક્સ વિભાગની દલીલ છે કે, ભારતમાં રહેલી સંપત્તિઓ પર કંપનીએ લાભ મેળવ્યો છે. ૨૦૧૪માં ભારત સરકારે જણાવ્યું હતું કે, વોડાફોન સહિતના પ્રવર્તમાન કરવિવાદો ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવશે.
કંપનીએ મુંબઇ ખાતે મેક ઇન ઇન્ડિયા ઇવેન્ટમાં વડા પ્રધાન મોદી દ્વારા અપાયેલા વચનનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને મેક ઇન ઇંડિયા ઇવેન્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં વિદેશી રોકાણકારોને ટેક્સ ફ્રેન્ડલી વાતાવરણ આપવાનું આશ્વાસન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter