શૈલેષ પાઠક FICCI ના સેક્રેટરી જનરલ

Tuesday 28th February 2023 12:20 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી બિઝનેસ ચેમ્બર ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા શ્રી શૈલેષ પાઠકની માર્ચ 1 2023થી અમલમાં આવે તે રીતે સંસ્થાના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્તિ જાહેર કરાઈ છે. ફિક્કીએ જાહેર કર્યું હતું કે ડાયરેક્ટર જનરલ મિ. અરુણ ચાવલા 30 જૂન 2023થી સુપરએન્યુએશન પછી સલાહકારી ભૂમિકા ભજવશે.

મિ. પાઠકે 37 વર્ષની કારકિર્દીમાં IAS અધિકારી તરીકે સરકારમાં તેમજ ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓમાં ઉચ્ચ સ્થાનોએ કામગીરી બજાવી છે. તેમણે વર્ષ 2000માં ઉભરતા ભારતીય નેતા તરીકે આઈઝનહોવર ફેલોશિપ, યુરોપિીયન કમિશન દ્વારા 2003માં આયોજિત ઈયુ વિઝિટર પ્રોગ્રામ તેમજ2011માં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં ચેવનિંગ સ્કોલરશિપ જેવા આંતરરાષ્ટ્રીય સન્માન મેળવ્યા છે.

મિ. પાઠકે SRCC દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યા પછી 1986માં IIM કલકત્તાથી MBA ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે BNHS થી LLB અને ઓરિન્થોલોજી (પક્ષીવિદ્યા) ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે હિમાલયમાં 6831 મીટરના શિખર સહિત અનેક ટ્રેકિંગ સાહસ કર્યા છે. તેઓ LBSNAA મસૂરી ખાતે ફાઉન્ડેશન કોર્સમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડ ઓફિસર ટ્રેઈની જાહેર કરાયા હતા. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિટીઝ, ફાઈનાન્સ અને પબ્લિક પોલિસી સહિતના વિષયોમાં 40થી વધુ પુસ્તકો પ્રસિદ્ધ કરેલા છે.

સેક્રેટરી જનરલપદે નિયુક્ત કરાયેલા શૈલેષ પાઠકે જણાવ્યું હતું કે,‘ફિક્કી પરિવાર સાથે જોડાવાથી હું સન્માનિત થયો છું. ફિક્કીએ તેના 95 વર્ષના ઈતિહાસ સાથે નીતિ પરિવર્તન માટે ઈન્ડસ્ટ્રીના અવાજ તરીકે આગામી ઉજ્જવળ દાયકો નિહાળશે. ભારત ઘણું મોટું અર્થતંત્ર બની રહ્યું છે અને ભારતીય બિઝનેસ અને ઈન્ડસ્ટ્રી આ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’

ફિક્કીના પ્રમુખ મિ. શુભ્રકાન્ત પાંડાએ આનંદ સાથે મિ. પાઠકને આવકારતા કહ્યું હતું કે તેઓ તમામ હિસ્સેદારોના હિતોને ધ્યાનમાં રાખવાના ફિક્કીના સુગ્રથિત એજન્ડા પર તેમની સાથે કામ કરવા ઉત્સુક છે. તેઓ સંસ્થાના સમૃદ્ધ વારસાને આગળ લઈ જવા મને અને ભાવિ પ્રેસિડેન્ટ્સને મદદ કરશે તેની મને ખાતરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter