વોશિંગ્ટન: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતનાં સંરક્ષણ બજેટમાં સતત થઈ રહેલા વધારાને સકારાત્મક ગણાવતા કહ્યું છે કે આને કારણે ભારતમાં ઘરેલું ઉત્પાદન અને આર્થિક વિકાસ મજબૂત થશે. આઇએમએફનું તારણ છે કે જ્યારે સંરક્ષણ ખર્ચમાં વધારાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હોય અને તેને મહત્વ અપાતું હોય ત્યારે દેશમાં ઉત્પાદનમાં વધારો થાય છે અને અર્થતંત્રને સર્વાંગી વેગ મળે છે. ઘરેલુ ચીજવસ્તુઓનાં વપરાશ અને રોકાણમાં વૃદ્ધિ થાય છે જે અર્થતંત્ર માટે શુભ સંકેત સમાન છે.
આઇએમએફનું કહેવું છે કે સંરક્ષણ ખર્ચ જ્યારે આયાત પર નિર્ભર રહેવાને બદલે ઘરેલું ઉત્પાદન પર આધારિત હોય ત્યારે તેનો ફાયદો ઘણો વધારે થાય છે. સંરક્ષણ ખર્ચમાં જેટલો વધારો થાય છે તેટલો જ આર્થિક ઉત્પાદનમાં વધારો થાય છે. ભારતે વિદેશમાંથી શસ્ત્રોની આયાત પરનું અવલંબન ઘટાડ્યું છે દેશમાં જ મહત્વનાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા પ્રાધાન્ય અપાયું છે. જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધે છે અને ખાનગી કંપનીઓ તેમજ સંયુક્ત સાહસો દ્વારા રોકાણ વધે છે. આમ જોવા જઈએ તો 2010નાં દાયકાનાં મધ્યથી આખા વિશ્વમાં સંરક્ષણ ખર્ચ વધી રહ્યો છે.
આર્થિક સંતુલન અને રોજગારીનું સર્જન
આઇએમએફએ કહ્યું હતું કે આયાત પર વધારે ખર્ચ કરવાથી બાહ્ય સંતુલન નબળું પડે છે. ભારતમાં સ્વદેશીકરણને જોર આપવામાં આવતા સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી મળે છે. માંગનો મોટો હિસ્સો દેશમાં જ રહે છે. જેના કારણે રોજગારીનું સર્જન પણ શક્ય બને છે. રોકાણમાં વધારો થાય છે. સંરક્ષણ ખર્ચમાં વધારાની સાથે ખાનગી ખર્ચને પણ પ્રોત્સાહન મળે છે.


