સમારા કેપિટલ ફ્યુચર રિટેલની સંપત્તિ ખરીદવા રૂ. ૭૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયાર

Thursday 27th January 2022 06:47 EST
 
 

નવી દિલ્હીઃ ફ્યુચર રિટેલ લિમિટેડ અને એમેઝોન વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહનો ઉકેલ લાવવા એમેઝોને એફઆરએલના સ્વતંત્ર ડિરેક્ટરોને જાણ કરી છે કે સમારા કેપિટલ દેવા તળે દટાયેલી એફઆરએલની તમામ સંપત્તિ ખરીદવા માટે રૂપિયા ૭૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયાર છે. એમેઝોને આ અંગેના તમામ રિપોર્ટ રવિવાર સુધીમાં સમારાને સુપરત કરવા એફઆરએલના સ્વતંત્ર ડિરેક્ટરોને જણાવ્યું છે.
એમેઝોને તેના પત્રમાં જણાવ્યું હતું કે, સમારા ઇઝી ડે, આધાર અને હેરિટેજ બ્રાન્ડ સહિત એફઆરએલની તમામ રિટેલ આસેટ્સ ખરીદવા તૈયાર છે. આ ખરીદી સમારાના નેતૃત્વમાં ભારતીયની માલિકીની કંપની દ્વારા કરાશે અને એમેઝોન આ સોદાને સમર્થન આપશે.
સમારા દ્વારા થનારા ટ્રાન્ઝેક્શનને કારણે એફઆરએલ પાસે ઝડપથી ફંડ ઉપલબ્ધ થશે જે કંપનીની દેવાળિયા સ્થિતિમાં ઝડપથી સુધારો લાવશે.
એમેઝોને જણાવ્યું છે કે આ સોદા પર ભારતીય અદાલતો અને લવાદો દ્વારા જારી કરાયેલા આદેશોની કોઇ અસર પડશે નહીં. નવા સોદા અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે એફઆરએલ કોઇ વ્યવહાર કરશે નહીં અને એફઆરએલને તમામ સહાય કાનૂની માળખા દ્વારા ઉપલબ્ધ કરાવાશે.
એમેઝોન અને એફઆરએલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. એમેઝોન સાથે થયેલા કરાર છતાં એફઆરએલે સંપત્તિના વેચાણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે કરાર કરતાં એમેઝોને એફઆરએલ સામે સિંગાપોરમાં કેસ દાખલ કરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter