સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની નવી ઓટોમેટેડ ડિસ્ટ્રીબ્યુશન સુવિધાનો પ્રારંભ

Wednesday 28th March 2018 07:20 EDT
 
 

લંડનઃ રિચાર્ડ હેરિંગ્ટન MP અને સ્ટીવ બ્રાઈન MP એ તા. ૨૨ માર્ચને ગુરુવારે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના નવા ઓટોમેટેડ વેરહાઉસ અને ઓફિસો સાથેના સંકુલ HD હાઉસને સત્તાવાર ખૂલ્લું મૂક્યું હતું. વોટફર્ડના MP રિચાર્ડ હેરિંગ્ટને જણાવ્યું હતું કે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના નવા સંકુલનું ઉદઘાટન કરવાનો મને ખૂબ આનંદ આવ્યો. સેંકડો લોકોને રોજગારી પૂરી પાડતા વોટફર્ડ વિસ્તારમાં ધમધમતા લોકલ બિઝનેસે તેના સંકુલનું વિસ્તરણ કર્યું તે જોઈને ખૂબ સારું લાગ્યું.

૧૯૭૫માં કોમ્યુનિટી ફાર્મસીથી શરૂ થયેલો પારિવારિક માલિકીનો આ બિઝનેસ સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ તરીકે વિકાસ પામ્યો છે. કંપની દેશના સૌથી મોટા ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરો પૈકીની એક છે જે ૪૦૦ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. કંપની યુકે અને યુરોપમાં ૩,૦૦૦થી વધુ ફાર્મસી, ૧,૦૦૦ હોસ્પિટલ અને ૬૦૦ ડિસ્પેન્સીંગ ડોક્ટરને સેવા પૂરી પાડે છે.

સિગ્મા તેના ગ્રાહકોને આધારભૂત, સરળ અને ઉચ્ચ ગુણવત્તાની સેવા પૂર પાડવા માટે હંમેશા કૃતનિશ્ચયી રહી છે. છેલ્લાં થોડા વર્ષોમાં બિઝનેસ વધતા સિગ્માએ તેના બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરવાનો અને કામકાજમાં ઓટોમેશન લાવવાનો નિર્ણય લીધો હતો. તેના અમલને પગલે ભરતભાઈ, મનીષભાઈ અને કૂકૂ શાહના પિતા સ્વ. હંસરાજ દેવરાજ શાહના નામે HD હાઉસ નિર્માણ પામ્યું છે. તેઓ પરિવારના વડા હતા. તેમણે જ સિગ્મા શરૂ કરવાની પ્રેરણા આપી હતી અને બિઝનેસના વિકાસમાં પરિવારને હંમેશા મદદ કરી હતી.

HD હાઉસમાં હેડ ઓફિસની કામગીરી માટે આધુનિક વર્કિંગ એન્વાયર્નમેન્ટ હોવા ઉપરાંત તદ્દન નવી મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ પણ કાર્યરત છે. તેની મદદથી તેમનો સમર્પિત સ્ટાફ વધુ ચોક્સાઈ સાથે ઓછા સમયમાં વધુ ઓર્ડરોનું પ્રોસેસિંગ કરી શકે છે. HD હાઉસમાં કરવામાં આવેલા રોકાણથી કાર્યક્ષમતા અને સર્વિસમાં કેવો સુધારો થાય તે જોવા માટે સિગ્મા આ વર્ષના અંત ભાગમાં ગ્રાહકો માટે વેલકમ ઈવેન્ટનું આયોજન કરવા વિચારે છે.

પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ પ્રાઈમરી કેર સ્ટીવ બ્રાઈન MP એ જણાવ્યું હતું, ‘બ્રિટિશ કંપની પોતાની સ્પર્ધાત્મકતાના વિસ્તરણ માટે મૂડીરોકાણ કરે અને હેલ્થકેર માર્કેટમાં સતત વિકાસ સુનિશ્ચિત કરે તે જોવાનું ખૂબ ગમ્યું. ભવિષ્યમાં પણ ખૂબ સફળતા માટે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સને હું શુભેચ્છા પાઠવું છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter