સિન્ટેક્સ પીપાવાવ પાસે ટેક્સટાઈલ પ્લાન્ટ સ્થાપશે

Thursday 12th February 2015 06:15 EST
 
 

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા કંપનીના એમડી અમિત પટેલે કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટથી લગભગ છ કિ.મી. દૂર આ પ્રોજેક્ટ સ્થાપવા માટે અમે રૂ. ૫૫૦૦ કરોડનું રોકાણ કરશું.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૫ના ભાગરૂપે યોજાયેલા ટેક્સટાઈલ ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય સેમિનાર ઈન્ટેક્સ કોન ૨૦૧૪માં મીડિયાને સંબોધન કરતી વખતે અમિત પટેલે કહ્યું હતું કે અમે ૨૦૧૭-૧૮ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. અમે આ પ્લાન્ટમાં નિટિંગ, સ્પીનિંગ અને વીવિંગ પર કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ટેક્સ્ટાઈલ બિઝનેસમાં હાજરી ધરાવે છે અને ગાંધીનગર નજીક કલોલમાં તેનો એક પ્લાન્ટ પણ છે. પીપાવાવ નજીક બનનારો નવો પ્લાન્ટ ભારતમાં સિન્ટેક્સનો ૧૦મો પ્લાન્ટ હશે અને તેની સ્થાપના પણ તબક્કાવાર કરવામાં આવશે. અમિત પટેલે એમ પણ કહ્યું હતું કે, પીપાવાવ પ્લાન્ટમાં ૧૦ લાખ સ્પિન્ડલ, ૨૪૦૦ વિવિંગ મશીન હશે અને તે ૬૦૦ ટન નીટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter