સીબીઆઈએ બ્રિટનમાંથી નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી

Friday 22nd June 2018 07:05 EDT
 
 

મુંબઈઃ સીબીઆઈએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા બ્રિટનમાંથી નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ મુદ્દે યુકે હોમ ઓફિસને પણ જાણ કરવામાં આવી હતી. યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા જણાવાયું હતું કે, નીરવ મોદી ક્યાં છે તેની તેમને ચોક્કસ જાણ નથી પણ ભારતના સૂચનના આધારે નીરવ મોદી વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશનું સૌથી મોટું અબજો રૂપિયાનું પીએનબી કૌભાંડ કરી બ્રિટન નાસી ગયેલ નીરવ મોદીએ પહેલાં લંડનમાં શરણ લીધું હતું. હવે એ લંડનથી બ્રસેલ્સ નાસી ગયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. નીરવ મોદી લંડનમાં ખુલ્લેઆમ ફરતો જોવા મળી રહ્યો હતો. એમ કહેવાય છે કે ભારતે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે એ પાસપોર્ટ પર જ એ બ્રસેલ્સ નાસી ગયો હતો કારણ કે ભારતે તેનો પાર્સપોર્ટ રદ કર્યો હોવાની જાણ અન્ય દેશોને નથી. બીજા અહેવાલ મુજબ તે તેના સિંગાપુરના પાસપોર્ટ પર સફર કરી રહ્યો છે.

CBIએ ઇન્ટરપોલમાં નીરવ મોદી અને તેના ભાઈ નિશાલ મોદી સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવા અરજી કરી છે. નીરવ મોદી ભારતીય નાગરિક છે, જ્યારે તેનો ભાઈ નિશાલ મોદી બેલ્જિયમનો નાગરિક છે. મંગળવારે સ્પેશિયલ કોર્ટે નીરવ મોદી અને તેના પરિવારના સભ્યો સામે નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કર્યા હતા. ઇન્ટરપોલે ભારત સરકારને કહ્યું છે કે નીરવ મોદીના પાસપોર્ટ પર ૩૧ માર્ચ પછી કોઈ ગતિવિધિ જોવા નથી મળી. એથી એ ચોક્કસપણે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ નથી કરી રહ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter