અમદાવાદ: વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેઈન ‘MAGA’ માટેની રેસિપ્રોકલ ટેરિફની નીતિથી વૈશ્વિક વેપારમાં ઉભી થયેલી અનિશ્ચિતાને કારણે સોનામાં આગઝરતી તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં સોનાનો ભાવ રોજબરોજ નવા ઊંચાઇને સર કરી રહ્યાં છે. ટેરિફ અમલી બન્યાના એક જ માસમાં શેરમાર્કેટમાં વોલેટાલિટી સાથે સ્થિરતાનો માહોલ રહ્યો છે, પરંતુ સોના-ચાંદીમાં આક્રમક તેજી થઇ છે. 30 દિવસમાં જ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 7700 વધી રૂ. 1.11 લાખની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ. 9500 વધી રૂ. 1.24 લાખ બોલાઇ ગઇ છે.
આ ઓછું હોય તેમ હવે ગોલ્ડમેન સાક્સે ચોંકાવનારો અંદાજ મૂકતા કહ્યું છે કે ભારતમાં સોનાનો ભાવ દોઢ લાખ પ્રતિ 10 ગ્રામને પાર નીકળે તો નવાઇ નહીં. ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5000 ડોલરને આંબે તો નવાઇ નહીં. વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા અને અમેરિકા તથા ચીન વચ્ચેના ટેરિફ તણાવને કારણે રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે. આ સંજોગોમાં આગામી સમયમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.55 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
અગાઉ ગોલ્ડમેન સાક્સે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4000 યુએસ ડોલર એટલેકે લગભગ રૂ. 1.25 લાખ પ્રતિ 10 ગ્રામ પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો. જોકે હવે આ ટાર્ગેટ વધારીને 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે કે લગભગ રૂ. 1.55 લાખ પ્રતિ 10 ગ્રામ કરાયો છે.
ડોલરનો વિકલ્પ બની રહ્યું છે સોનું
રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ તેના વિદેશી હૂંડિયામણ ભંડારને વધારવા માટે નવી પદ્ધતિ અપનાવી છે. હવે આરબીઆઇ યુએસ ટ્રેઝરી બિલને બદલે સોનામાં વધુ રોકાણ કરી રહી છે. તેનો અર્થ એ છે કે ભારત સરકાર તેની બચતને ફક્ત ડોલરમાં રાખવાને બદલે અલગ અલગ વસ્તુઓમાં વહેંચી રહી છે. આ પરિવર્તન સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે કારણ કે ઘણા દેશો હવે ડોલર પર સંપૂર્ણપણે નિર્ભર રહેવા માંગતા નથી. ભારત, તૂર્કી અને ચીન સહિત અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કની ખરીદી વધી છે. સતત ચોથા વર્ષે સેન્ટ્રલ બેન્કોએ 1000 ટન સોનું ખરીદ્યું છે.
રોકાણ પોર્ટફોલિયોમાં ગોલ્ડ-સિલ્વરનું વેઇટેજ વધ્યું
વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા જિયો પોલિટિકલ ઇશ્યુ, ટ્રેડવોર, આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં બદલાવ લાવવાનું છેલ્લા એકાદ-બે વર્ષ પૂર્વેથી શરૂ કર્યું છે. રોકાણકારો ગોલ્ડ-સિલ્વરને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં 20 ટકાનું વેઇટેજ આપવા લાગ્યા છે. આગળ જતાં પણ ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતતા સામે બુલિયનમાં આકર્ષક સાથે સલામત રિટર્ન મેળવી શકે છે.
સોના-ચાંદીમાં 10 ટકાનું કરેક્શન આવી શકે
છેલ્લા કેટલાક સમયથી વન-વે તેજી છે. સોના-ચાંદી ઓવરબોટ પોઝિશનમાં છે. ફેડરલ રિઝર્વની બેઠક બાદ પ્રોફિટબુક જોવા મળી શકે છે. જો ફેડની બેઠક માર્કેટ માટે પોઝિટિવ સાબિત નહીં થાય તો સોના-ચાંદીમાં સરેરાશ 5-10 ટકાનું કરેક્શન આવી શકે છે.