સ્વિડન અને ઓસ્ટ્રેલિયાથી વધુ સોનું કેરળની ત્રણ કંપનીઓ પાસે છે

Thursday 12th February 2015 06:23 EST
 

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.
વિશ્વના કેટલાક દેશોના રિઝર્વ જથ્થા કરતાં વધારે સોનું આ ત્રણ કંપનીઓ પાસે છે. મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ્ ફાઈનાન્સ અને મુથુટ ફિનકોર્પ પાસે કુલ ૨૦૦ ટન જેટલા સોનાના દાગીના છે જે સિંગાપુર, સ્વીડન અને ઓસ્ટ્રેલિયા દેશના રિઝર્વ સોના કરતાં પણ વધારે છે. મુથૂટ ફાઈનાન્સ પાસે લોન સિક્યોરિટી પેટે ૧૧૬ ટન સોનું જમા છે. બીજી તરફ મણપ્પુરમ્ ફાઈનાન્સ પાસે ૪૦ ટન અને મુથૂટ ફિનકોર્પ પાસે ૩૯ ટન સોનું છે.
કેરળમાં સચવાયેલા સોનાના આ જથ્થાની સરખામણી દુનિયા સાથે કરીએ તો સિંગાપોર પાસે ૧૨૭ ટન ગોલ્ડ રિઝર્વ છે, સ્વીડન પાસે ૧૨૬ ટન ગોલ્ડ રિઝર્વ છે. સાઉથ આફ્રિકા પાસે ૧૨૫ ટન ગોલ્ડ રિઝર્વ છે જ્યારે મેક્સિકો પાસે ૧૨૩ ટન ગોલ્ડ રિઝર્વ છે. માત્ર મુથૂટ ફાઈનાન્સની વાત કરીએ તો તેની પાસે એટલું સોનું છે કે તેની સરખામણીમાં ગ્રીસ, ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્ક પાસે રિઝર્વ સોનું નથી.
વર્લ્ડ રિઝર્વ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે દુનિયામાં ગોલ્ડ રિઝર્વની બાબતમાં ભારત ૧૧મા ક્રમે આવે છે. ભારતનું કુલ રિઝર્વ ગોલ્ડ ૫૫૮ ટન છે. અમેરિકા આ મુદ્દે પહેલાં ક્રમે આવે છે. અમેરિકા પાસે ૮૧૩૪ ટન સોનું છે. જર્મની પાસે ૩,૩૮૪ ટન ગોલ્ડ રિઝર્વ છે. આ સોના સાથે જર્મની બીજા ક્રમે આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter