લંડનઃ વિશ્વમાં અત્યાધુનિક સાયબર સિક્યુરિટીના ઉપાયો આપતી હિન્દુજા ગ્રૂપની લંડનસ્થિત કંપની CyQureX-UK અને ભારતની ટેક મહિન્દ્રા વચ્ચે ક્લાયન્ટ્સને સફળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા વિશ્વસ્તરીય સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સનું પીઠબળ આપવા ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરાઈ છે. ટેક મહિન્દ્રા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિન્ગ તેમજ બિઝનેસ રી-એન્જિનીઅરિંગ સર્વિસીસ અને સોલ્યુશન્સના ક્ષેત્રે અગ્રણી પ્રોવાઈડર છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી બંને કંપનીને ઉભરતા ‘ઝીરો ટ્રસ્ટ’ વાતાવરણમાં અગ્રણી બનાવશે. CyQureX-UK ની કેન્દ્રિત સોફ્ટવેર એન્ડ ડિફાઈન્ડ પેરીમીટર્સ (SDP) ટેકનોલોજી અને સોલ્યુશન્સ તેમજ ટેક મહિન્દ્રાનું સાયબર સિક્યુરિટી અને અન્ય નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીઓ પરનું વ્યૂહાત્મક ફોકસ આ ભાગીદારીમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ પાર્ટનરશિપના પરિણામે, વૈશ્વિક કસ્ટમર્સને ‘ડેટા ઈન મોશન’, ‘ડેટા ઈન યુઝ’ અને ‘ડેટા એટ રેસ્ટ’ જેવી સમગ્ર લાઈફ સાઈકલમાં ડેટા એસેટ્સ માટે અત્યાધુનિક સાયબર સિક્યુરિટી પ્રોટેક્શનની સુવિધા સાંપડશે.
કન્સલ્ટિન્ગ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રના દાયકાઓના કૌશલ્ય સાથે ટેક મહિન્દ્રા સર્વીસીસના કન્સલ્ટિન્ગ, પ્લાનિંગ, ડિઝાઈનિંગ, ઈન્ટિગ્રેશન, ઓરકેસ્ટ્રેશન અને ઓટોમેશનની સુવિધા પૂરી પાડશે. બીજી તરફ, વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રે મલ્ટિબિલિયન ડોલર ટર્નઓવર તેમજ ભારત અને યુએસએમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર્સ તથા યુએસએ, યુરોપ, યુકે, મિડલ ઈસ્ટ અને ભારતમાં ઓફિસીસ ધરાવતા હિન્દુજા જૂથના નવા અને મહત્ત્વપૂર્ણ બિઝનેસના પ્રતિનિધિ CyQureX થકી વિશ્વમાં મહત્ત્વપૂર્ણ બની રહેલા સાયબર સિક્યુરિટી ક્ષેત્રની ક્ષમતાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.
ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સી.પી. ગુરનાનીએ કહ્યું હતું કે,‘ સંસ્થાઓએ વર્તમાન કટોકટીમાંથી વધુ મજબૂત અને સ્માર્ટ બની બહાર આવવા તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાને ગતિશીલ બનાવી છે. ડિજિટલ સેવાઓના અગ્રણી વૈશ્વિક પ્રોવાઈડર તરીકે ટેક મહિન્દ્રા વ્યૂહાત્મક પાર્ટનરશિપ્સ અને વિશ્વસ્તરીય ઉપાયો થકી અમારા કસ્ટમર્સ અને પાર્ટનર ઈકોસિસ્ટમ્સ માટે નવી બિઝનેસ તકો અને અનુભવો પૂરાં પાડવા નવા યુગની ટેકનોલોજીઓના ઉપયોગ બાબતે પ્રતિબદ્ધ છે. ક્લાયન્ટ્સ માટે સાયબર સિક્યુરિટી માત્ર આવશ્યક સેવા નહિ પરંતુ, બિઝનેસમાં તફાવત સર્જનાર ચાવીરુપ બાબત બની રહેશે. હિન્દુજા ગ્રૂપના CyQureX સાથે ભાગીદારી અમારી મહત્ત્વની બિઝનેસ ઓફર સાથે સંકળાશે અને વિશ્વભરમાં અમારા કસ્ટમર્સ માટે પસંદગીના સાયબરસિક્યુરિટી પાર્ટનર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે.’
હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન જીપી હિન્દુજાએ એવો મત દર્શાવ્યો હતો કે,‘આ પાર્ટનરશિપ સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં ગેમચેન્જર બની રહેશે. તે અગ્રણી સિક્યુકિટી સર્વિસીસ કંપની ટેક મહિન્દ્રા અને અમારી નવી ટેકનોલોજી કંપની CyQureXને સાથે લાવી સંયુક્તપણે ઉચ્ચસ્તરીય સુરક્ષિત, ઝડપી અને સ્થિતિસ્થાપક ડિજિટલ વિશ્વની રચના કરશે. અમારા સ્થાપકના ‘પાર્ટનરશિપ વિથ ગ્રોથ- વિકાસસહ ભાગીદારી’ના સિદ્ધાંત સાથે સુસંગત આ વ્યૂહાત્મક પાર્ટનરશિપ રચાવાથી મને ભારે ખુશી છે. બિઝનેસીસ ઝડપથી ડિજિટલ બની રહ્યા છે અને ખાસ કરીને, ભારત અને અન્ય દેશોમાં ડિજિટલ રુપાંતરણ થઈ રહ્યું છે ત્યારે સાયબરસિક્યુરિટી તમામ ડિજિટલ એસેટ્સની સલામતી માટે સીમાચિહ્ન બની રહેશે. અમે આગામી વર્ષોમાં ઉભરતા સાયબર સિક્યુરિટી સોલ્યુશન માર્કેટમાં અગ્રણી બની રહેવાની નેમ સાથે અત્યાધુનિક અને સ્વદેશી સાઈબર સિક્યુરિટી ઉત્પાદનો અનેટેકનોલોજીઓને વિકસાવવા કટિબદ્ધ છીએ.’
ભારતના વડા પ્રધાનના ઈન્ટેલિજન્સ અને સિક્યુરિટી વિશે પૂર્વ વિશેષ સલાહકાર, પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અને CyQureXના એક્ઝિક્યુટિવ ચેરમેન એમ. કે. નારાયણન કહે છે કે,‘ આ મહત્ત્વપૂર્ણ જોડાણ છે અને મને આશા છે કે સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેઈન જેવી આગામી પેઢીની ટેકનોલોજીઓ માટે તે ઉદ્દીપક બની રહેશે તેમજ બિઝનેસીસ, મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારના રક્ષણ માટે સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મ્સની રચના કરશે. તે સમગ્ર વિશ્વના ક્લાયન્ટ્સને સંપૂર્ણ એકીકૃત સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ પૂરાં પાડીને ડિજિટાલાઈઝેશનને વધુ ઊંચા સ્તરે લઈ જશે.’