હિન્દુજા જેટના ટેક-ઓફમાં મદદ કરવા તૈયાર

Wednesday 22nd May 2019 02:34 EDT
 
 

લંડન,મુંબઈઃ હિન્દુજા જૂથ જેટ એરવેઝ માટે બિડની પ્રક્રિયાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. તેણે આ માટે વિમાન કંપનીના નરેશ ગોયલ અને તેના વ્યૂહાત્મક રોકાણકાર એતિહાદ એરવેઝ સહિત બધા હિસ્સેદારો પાસેથી મંજૂરી મેળવી લીધી છે. હિન્દુજા જૂથ દ્વારા ટૂંક સમયમાં ડ્યૂ ડિલિજન્સ શરૂ થશે. આ જૂથ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ સહિતના અગ્રણી બેન્કરો સાથે ડ્યૂ ડિલિજન્સ શરૂ કરવા વાતચીત કરી રહ્યું છે.

સૂત્રો મુજબ જેટના સ્થાપક ગોયલ અને હિન્દુજા બે દાયકા કરતાં વધારે સમયથી સારા સંબંધો ધરાવે છે. પ્રારંભિક ગણતરીઓ મુજબ તેમની લેણી નીકળતી રકમ રુપિયા૧૨,૦૦૦ કરોડ છે. હિન્દુજા માને છે કે બેન્કોએ એરલાઇનને ટકાઉ બનાવવા નોંધપાત્ર પ્રમાણમાં કાપ સહન કરવો પડશે. બેન્કો અને સ્થાપક નરેશ ગોયલ ભારતના હિન્દુજા જૂથને એરલાઇન બચાવવા માટે પોતાની સાથે લાવવા તૈયાર છે. પ્રારંભમાં ટાટા જૂથે એરલાઇન માટે બિડ કરવા રસ દાખવ્યો હતો પરંતુ, પછી તેણે કોઈ પણ એરલાઇનમાં રસ હોવાની વાત નકારી હતી. હિન્દુજાએ ભૂતકાળમાં પણ સરકારી માલિકીની એર ઇન્ડિયાના ખાનગીકરણ વખતે રસ દાખવ્યો હતો. તેણે લુફથાન્સા એરકાર્ગો સાથે જોડાણ પણ કરેલું છે.

સૌથી મહત્ત્વનું પરિબળ એ છે કે એરલાઇન પાસે સમય ઓછો બચ્યો છે. હરીફ અને વિદેશી એરલાઇન્સ જેટના કમાન્ડરો અને પાઇલટોને પોતાનામાં ખેંચી રહી છે. આ સિવાય તેના અત્યંત નફાકારક વિદેશી રૂટ પર હરીફ એરલાઇન્સોની નજર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter