લંડનઃ વિશ્વના સૌથી મોટા સાયકલ નિર્માતા હીરો સાયકલ્સે જાહેરાત કરી હતી કે તેની યુકેમાં માન્ચેસ્ટર ખાતે આવેલી મુખ્ય કંપની એવોસેટ યુકે દ્વારા આ વર્ષની સ્ટ્રીટવેલોડ્રોમ ટુરની હેડલાઈન સ્પોન્સર કરવામાં આવશે. સ્ટ્રીટવેલોડ્રોમ, પરિવારોને સાયકલિંગ માટે પ્રોત્સાહિત કરવા હાથ ધરાયેલી રાષ્ટ્રીય પહેલ છે. તે અંતર્ગત યુકે અને આયર્લેન્ડના શહેરોમાં તેનું આયોજન કરાશે. તેમાં શ્રેણીબદ્ધ સ્પર્ધાત્મક રેસ યોજાશે જેમાં પ્રોફેશનલ રાઈડર્સ તેમજ એમેચ્યોર અને બાળકો ભાગ લેશે. આ તમામ ઈવેન્ટ ફ્રી રહેશે અને લોકો તે જોઈ શકશે, રેસમાં ભાગ લઈ શકશે, તેના માટે બાઈક્સ, સાધનો અને પ્રોફેશનલ સૂચના આ બધું જ સ્ટ્રીટવેલોડ્રોમ ટીમ દ્વારા અપાશે.
આ વર્ષની ટુર ૧૦ જૂનથી ૧૬ જૂન સુધી ડબલિન અને તેની આસપાસમાં યોજાશે. જેમાં ૧૦મીએ નોર્ધર્ન આયર્લેન્ડમાં બેલિમેનામાં તેનું આયોજન કરાયું છે. વિગનમાં ૧૨થી ૧૫ જુલાઈ સુપર ફાઈનલ્સ યોજાશે. જ્યારે ફાઈનલ્સ ૧૪ અને ૧૬ ઓગસ્ટે લંડનમાં કેનરી વ્હાર્ફ ખાતે યોજાશે.
એવોસેટના સીઈઓ શ્રીરામ વેંકટેશ્વરને જણાવ્યું હતું કે રમતગમતની માફક સૌને માટે સાયકલિંગ સરળ બનાવવાના ઉદેશને પાર પાડવા સ્ટ્રીટવેલોડ્રોમ સિરીઝ યોગ્ય માધ્યમ બની રહેશે.
એવોસેટ યુકે માટે ૨૦૧૮ના નવા ઘટનાક્રમમાં તે મે મહિનામાં ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર લોંચ કરાયેલી બાઈક્સની નવી ઈન્સિંક રેન્જ સાથે ટુરની સ્પોન્સરશીપ કરશે. ઈન્સિંક બાઈક્સ માન્ચેસ્ટરના સેન્ટ્રલ પાર્કમાં આવેલા કંપનીના નવા ૨ મિલિયન પાઉન્ડના ગ્લોબલ ડિઝાઈન સેન્ટરમાં તૈયાર કરાયા છે. આ ઈવેન્ટમાં ઈન્સિંક રેન્જના તમામ નવા બાઈક્સ હશે.
વધુ માહિતી માટે અથવા ભાગ લેવા માટે http://www.streetvelodrome.co.uk/ વેબસાઈટ જુઓ.