HMRCના નામે કૌભાંડ કરતા ગઠીયાઅો : ઘરે આવતા અડધા ફોન ગઠીયાઅોના

- કમલ રાવ Tuesday 24th May 2016 12:29 EDT
 

HMRC એટલે કે 'હર મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ'ના નામે ગઠીયાઅો દ્વારા 'તમારા વેરાની ગણતરી વગેરે કર્યા બાદ તમે £૩૫૦ના ટેક્સ રીફંડ માટે હક્કદાર છો અને તમે ફોર્મ - વેબસાઇટ પર જઇને બધી માહિતી ભરશો એટલે તમને રીફંડ મોકલવામાં આવશે' તેમ જણાવી ઠગાઇ કરવા પ્રયાસો કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. હજુ સુધી આ કૌભાંડમાં કોઇ છેતરાયું છે કે નહિં તેની જાણકારી મળી નથી, પરંતુ 'ગુજરાત સમાચાર'ના વાચક મિત્રો છેતરાય નહિં તે આશયે આ કૌંભાંડના પ્રયત્નો અને બોગસ ઇમેઇલ અંગે ચેતવણી આપતો અહેવાલ રજૂ કરાયો છે.

અમારા વાચક મિત્ર અને નિવૃત્ત બેન્કર શ્રી ગીરીશકુમાર દેસાઇને HMRCના નામે મોકલવામાં આવેલા ઇમેઇલમાં જણાવાયું હતું કે 'તમારી આર્થિક પ્રવૃત્તિ વગેરેની ગણતરી બાદ અમને જણાયું છે કે 'તમે £૩૫૦નું ટેક્ષ રિફંડ મેળવવા હક્કદાર છો. આ સાથે જોડેલું ટેક્ષ રીફંડનું ફોર્મ ભરો અને અમને મોકલી આપો, અમને તેની કાર્યવાહી કરવા માટે પાંચ દિવસ થશે. આપનો ટેક્ષ રીફંડ નંબર …. છે. આપનું રીફંડ વિવિધ કારણોના કારણે મોડુ થઇ શકે છે.'

ઇમેઇલમાં એટેચ્ડ કરેલું ટેક્ષ રીફંડ ફોર્મ ખોલો એટલે તેમાં વેબસાઇટ પરનું અોનલાઇન ફોર્મ જણાય છે. જેમાં નામ સરનામુ, જન્મ તારીખથી લઇને આપના ક્રેડીટ - ડેબીટ કાર્ડ, પાસપોર્ટ કે અન્ય અોળખ પત્ર સહિતની વિવિધ માહિતી ભરવાની હોય છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધી વિગત ચાર સ્ટેજમાં ભરવાની હોય છે અને બધી વિગતો ભરાઇ જાય એટલે સીધી HMRCની વેબસાઇટ આવી જાય છે. મિત્રો કોઇ પણ વ્યક્તિને તમે નામ, સરનામુ, જન્મ તારીખ અને ક્રેડીટ-ડેબીટકાર્ડની વિગતો આપો એટલે તે વ્યક્તિ તમારા બેન્ક એકાઉન્ટમાંથી બધી રકમ ચોરી શકે અને તે સીવાય પણ બીજા પ્રકારના કૌભાંડ કરી શકે. ઇમેઇલમાં જણાવ્યા મુજબ ફોર્મ – વેબસાઇટ વગેરે જોતા કોઇ આમ વ્યક્તિ આ ગઠીયાઅોની ચાલમાં સો ટકા ફસાઇ જાય અને પોતાનું ફોર્મ ભરી જણાવેલી બધી માહિતી આપી દે.

પરંતુ જો તમે વેબસાઇટની થોડી તપાસ કરો અને બીજી લિંક્સ ક્લીક કરો તો તે કોઇ લિંક ખુલતી નથી. જો કે જાણકારીને અભાવે આટલી બધી ઝીણવટભરી તપાસ કોઇ કરે નહિં અને આસાનીથી કૌભાંડનો ભોગ બની જાય.

ગીરીશકુમાર દેસાઇએ આ ઇમેઇલ તેમના સ્થાનિક એમપી બોબ બ્લેકમેનની અોફીસે પણ મોકલ્યો હતો. જેમના સીનીયર કેસ વર્કરે આ ઇમેઇલ કૌભાંડી હોવાનો અને તે કોઇ અનવેરીફાઇડ સોર્સ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગીરીશકુમારે જણાવ્યું હતું કે 'હું પોતે નિવૃત્ત પેન્શનર છું અને મારું કોઇ ટેક્ષ રીફંડ આવે તેવી શક્યતા નથી. વળી HMRCઆ રીતે ઇમેઇલ દ્વારા માહિતી માંગતું નથી અને તેઅો જાતે જ તેમની પાસેની બધી વિગતોના આધારે ગણતરી કરીને ટેક્ષ રીફંડનો ચેક મોકલી દેતા હોય છે.'

મિત્રો, આજ કાલ ગઠીયાઅો અવનવા માર્ગે આપણને ભોળવીને પૈસા ઠગી લેવા માટે પ્રયત્નો કરતા હોય છે. સીધીને સટ એક જ વાત ધ્યાનમાં રાખવી કે કોઇ પણ સામેથી પૈસા આપતું નથી. માટે કોઇ જાણકારની સલાહ લઇને જ આવા ફોર્મ ભરવા.

ઘરે આવતા ફોન પૈકી અડધા ફોન વણજોઇતા: વડિલો માટે જોખમરૂપ

તાજેતરમાં વિચ? અને ટ્રુ કોલ દ્વારા થયેલા એક સર્વે મુજબ આપણા ઘરે આવતા ફોન પૈકીના અડધા કરતા વધારે ફોન 'ન્યુસન્સ' એટલે કે કામ વગરના હોય છે. સર્વે મુજબ દર દસ ઘરમાંથી એક ઘરે મહિનામાં ત્રાસ આપતા આવા ૬૦ ફોન આવે છે. ટ્રુ કોલના ગ્રાહકોને મળેલા ૭ મિલિયન ફોનમાંથી ૪૦% એટલે કે ૨૮ લાખ ફોન બીનજરૂરી કરાયા હતા. જેમણે આવા ફોનને બ્લોક કરવા સૂચના આપી હોય છે તેમને પણ આવા ફોન મળે છે. એવરેજ ઘરને કુલ ૨૬ ફોન દર મહિને કરાય છે. પણ જો ઘરમાં કોઇ વયસ્ક વ્યક્તિ રહેતી હોય તો તેમને મહિને ૩૮ વખત ફોન કરાય છે. અમુક લોકો તો સેલ્સમેનના સ્વાંગમાં ફોન કરીને ઠગાઇ કરે છે. સરકારે ગયે મહિને જ કાયદો બનાવ્યો છે કે દરેક માર્કેટીંગ કંપનીએ પોતાના ફોન નંબર દેખાય તે રીતે ફોન કરવો નહિં તો દંડ થશે.

૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter